Updated: Jan 30th, 2023
ધોરાજી, ભાણવડ, બગસરા પંથકમાં વિદેશી શરાબના દરોડા
ધોરાજીના ઉદકિયા ગામે દારૂની 155 બોટલ સાથે જૂનાગઢના શખ્સને જ્યારે ભાણવડના ગુંદામાં 108 બોટલ શરાબ સાથે બે શખ્સ ઝડપાયા
બગસરા,ધોરાજી, ભાણવડ: આજે સૌરાષ્ટ્રમાં પોલીસે અનેક જગ્યાએ વિદેશી શરાબના દરોડા પાડી સન્નાટો મચાવી દીધો છે. જેમા બગસરા બાયપાસ ચોકડીએથી ૧૯ લાખનો ૩૩૫ પેટી ,ધોરાજીના ઉદકિયા ગામે દારૂની ૧૫૫ બોટલ સાથે જુનાગઢના શખ્સને પકડી પાડયો, ભાણવડના ગુંદામાં ૧૦૮ બોટલ શરાબ જથ્થા સાથે બે શખ્સ ઝડપાવાની ઘટના બની છે.
વિશેષ વિગત મુજબ બગસરા બાયપાસ ચોકડી પાસે અમરેલી એલસીબી પોલીસે વોચ રાખી વાહનો તપાસતા કુંકાવાવ તરફથી આવતા એક ટ્રકની તલાશી લીધી હતી. જેમાં અનાજની બોરીઓ પાછળ છૂપાવેલી ૩૩૫ પેટી વિદેશી શરાબની મળી આવી હતી. જે કબજે લીધી હતી.આ શરાબની કિમત ૧૯ લાખ થવા જાય છે. અને ટ્રક સાથે કુલ ૩૩ લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ અંગે હાલ તો ટ્રક ચાલક વરજાંગ મોરી રહે. જુનાગઢની અને ટ્રકમાં બેઠેલા જયસુખ વાઘેલાની અટકાયત કરી છે. ચાલકને પુછતા તેણે કહ્યુું હતું કે ગોંડલ ચોકડીએથી મને મુન્નાભાઈ અને ધીરેન કારિયાએ મને ટ્રક સોપેલો હતો. અને ચલાલા માલ પહોંચાડવાનું કહ્યું હતુ.તેમજ ધીરેન કારિયાએ અમોને એમની કારમાં સુલતાનપુર સુધી પહોંચાડયા હતા. આ મોટો જથ્થો મળી આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પાટણવાવ પોલીસને બાતમી મળી હતી કે ઉદકીયા ગામથી પાટણવાવ વચ્ચે એક કાર પસાર થવાની છે અને એમાં શરાબ ભરેલો હશે. આથી ઉદકીયાના પાટિયા પાસે પોલીસે વોચ રાખી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૫૫ બોટલ મળી આવી હતી. આ બાબતે જુનાગઢના ભગુ કરશન ભારાઈ નામના યુવાનની ધરપકડ કરી કાર કબજે લીધી છે તેમજ કોની પાસેથી આ જથ્થો લાવ્યો અને કયાં આપવાનો હતો એની પુછપરછ ચાલુ કરી છે.
ભાણવડના ગુંદા ગામ નજીક પોલીસે વોચ રાખી વાહન ચેક કરતા ગુંદા ગામના વિશાલ ગોરધનભાઈ ખીરસરિયા અને કારૂ રાયમલ સુવાળીયાના કબજામાંથી ૧૦૮ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. જેથી રૂા.૪૩૨૦૦ નો દારૂ અને એક મોબાઈલ ફોન કબજે લીધા હતા. આ પ્રકરણમાં રાણાવાવ રહેતા કાના મેરામણ મોરીનું નામ ખૂલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.