Updated: Jan 30th, 2023
વિશ્વ વિભૂતિને શ્રધ્ધા સુમન અર્પણ
પૂ. બાપુને પ્રિય એવાં ભજનોની સરવાણી વહી ઃ મધ્યપ્રદેશના યાત્રાળુઓ દ્વારા પણ અંજલિ અર્પણ
પોરબંદર: વિશ્વ વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૭૫મા નિર્વાણ દિને કીર્તિ મંદિર ખાતે યોજવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ અને એમપીથી આવેલા યાત્રાળુઓ તથા અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે વિશ્વ આખાને સત્ય, અહિસા, ભાઈચારાની ભાવના પ્રગટ કરીને પોતાના જીવનના સત્યના પ્રયોગો દ્વારા અનોખો રાહ ચીંધ્યો છેૈ તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૭૫માં નિર્વાણ દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સાંજે પાંચ વાગ્યે યોજવામાં આવેલ સર્વધર્મ પ્રાર્થનાસભામાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પૂજ્ય બાપુને પ્રિય ભજનોની સરવાણી વહાવાઈ હતી. આ વિશ્વ વિભૂતિને શ્રધ્ધા સુમન અર્પણ કરવાના આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા, કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્ય તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જમ આ વર્ષે પણ પોરબંદરની સામાજિક સેવાભાવી સંસ્થાના અમુકને બાદ કરતા કોઇ રાજકીય આગેવાનો ડોકાયા ન હતા. પ્રાર્થનાસભાની પુર્ણાહુતિને દશેક મીનીટની વાર હતી ત્યારે મધ્યપ્રદેશની યાત્રાળુઓની બસ આવી હોવાથી પ્રાર્થનાસભામાં રંગ જામ્યો હતો અને તેઓ ભારે ઉત્સાહથી રઘુપતિ રાઘવ રાજા રામ રજૂ થયું ત્યારે ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાતા અનેરો માહોલ સર્જાયો હતો.
શ્રધ્ધાંજલિ સભામાં રક્તપિત્ત નિર્મુલન જાગૃતિ ફેલાવાઇ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી રક્તપિત્તનાં દર્દીઓની પોતાના હાથેથી સારવાર કરતા હતા અને તેના દર્દીઓ જલ્દીથી સાજા થઇ જાય તે માટે જાગૃતિ ફેલાવતા હતા ત્યારે પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્રની ટીમે રક્તપિત્તનાં દર્દીઓના લક્ષણો, તેના રોગ વિષે જાગૃતિ લાવવા માટે શું શું કરી શકાય તેની માહિતીનું નિદર્શન કર્યું હતું.
“આજ હમરી મન્નત પૂરી હુઇ’-બીરસીંગ ભુરીયા
મધ્યપ્રદેશથી પોરબંદર ખાતે આવેલી યાત્રાળુ બસમાં મોટી સંખ્યામાં એમપીનાં પ્રવાસીઓ સર્વધર્મ પ્રાર્થના સમયે જ આવી પહોંચ્યા હતા ત્યારે બીરસીંગ ભુરીયા નામા વયોવૃધ્ધ પ્રવાસીએ એવું જણાવ્યું હતું કે, ‘બાપુ હમરે પથદર્શક હૈ. મેરા જન્મ મધ્યપ્રદેશ મેં હુઆ થા લેકિન બચપન સે હી મેરી ઇચ્છા થી કિ મૈં ભી ગાંધીજી કી જન્મસ્થલી પર જાઉં અને અપના શીશ નમાઉં મૈં બહુત ખુશનશીબ હું કિ આજ બાપુકી નિર્વાણ તિથિ પર હી હમ સબ યહાં પહુંચે હૈ ઔર ઇસ પવિત્ર ભૂમિ કે વંદન કરકે ધન્ય હુએ હૈ. આજ હમરી મન્નત પૂરી હુઇ હૈ’ કહ્યું ત્યારે તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા.