Updated: Jan 30th, 2023
– ખાવા માટેના ફાંફા વચ્ચે ચકાચૌંધ લાઇફ સ્ટાઇલના જલસા
– આવશ્યક ચીજવસ્તુઓ અને ઔદ્યોગિક માલસામાનના 5,000થી વધુ કન્ટેનર બંદરો પર અટવાયેલા પડયા છે
કરાંચી : ડૉન અખબારના અહેવાલ મુજબ, કટોકટીગ્રસ્ત પાકિસ્તાને ૨,૦૦૦થી વધુ લક્ઝરી વાહનોને આયાત કરવાની મંજૂરી આપી હતી, બીજી તરફ આવશ્યક ઉપભોક્તા ચીજવસ્તુઓની શિપમેન્ટ બંદરો પર અટવાયેલી રહી હતી.
પાકિસ્તાન વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેણે લગભગ તમામ આયાત અટકાવી દીધી છે. તાત્કાલિક બેલઆઉટ પેકેજ વિશે વાત કરવા માટે આઈએમએફની એક ટીમ ચાલુ અઠવાડિયે દેશની મુલાકાતે આવવાની છે.
પાકિસ્તાને ૨૦૨૨ના જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ૧૬૪ લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરી હતી. વપરાયેલ લક્ઝરી વાહનોની આયાતમાં પણ ઉછાળો આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને છેલ્લા છ મહિનામાં આવા લગભગ ૧,૯૯૦ વાહનોની આયાત કરી છે. મોટાભાગની આયાત જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થઈ હતી, જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બરમાં બહુ ઓછી સંખ્યામાં કારની આયાત કરવામાં આવી હતી.
બીજી તરફ, બંદરો પર આવશ્યક ચીજ વસ્તુઓના ઔદ્યોગિક માલસામાનના ૫,૦૦૦થી વધુ કન્ટેનર રોકી રાખવામાં આવ્યા હતા, એમ અખબારે અહેવાલ આપ્યો હતો.પાકિસ્તાનનું વિદેશી ભંડાર ઘટીને ઇં૩.૭ બિલિયન થઈ ગયું છે – જે રેકોર્ડ નીચું છે. દેશ મોંઘવારી, ૨૦૨૨ માં વિનાશક પૂરના પરિણામ અને ઊર્જાની તીવ્ર તંગીથી ઝઝૂમી રહ્યો છે.
પાકિસ્તાનની સ્ટેટ બેંકે, આ મહિનાની શરૂઆતમાં, ખાદ્યપર્દાર્થો અને તબીબી પુરવઠો સિવાય તમામ આયાત માટે ક્રેડિટ પત્રો આપવાનો ઇનકાર કર્યો હતો.