Updated: Jan 30th, 2023
– પેશાવરની પોલીસ લાઈનની ઘટના
– મસ્જીદનો એક ભાગ તૂટી પડયો : તેની નીચે ઘણા દટાઈ ગયા હોવાની સેવાતી શંકા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પેશાવરમાં પોલીસ લાઇન વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં જોરદાર આત્મઘાતી હુમલો થયો હતો. સોમવાર સાંજે બનેલી આ ઘટના સમયે ઘણા લોકો ત્યાં નમાઝ પઢવા એકઠા થયા હતા. તે સમયે જ થયેલા આ વિસ્ફોટને લીધે ૨૮ લોકોના જાન ગયા હતા, જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ અંગે પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે, મસ્જીદનો એક ભાગ તુટી પડતાં તેની નીચે ઘણા લોકો દબાયા હોવાની શંકા છે.
પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમે જણાવ્યું હતું કે, આ ધડાકાથી ૯૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે જે પૈકી ઘણાની હાલત ગંભીર છે.
સમાચાર સંસ્થા એએફપી પ્રમાણે તો ઘણાનાં મૃત્યુ થયા હોવાની આશંકા છે. જ્યારે બધા નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તે આત્મઘાતી હુમલાખોર મસ્જીદમાં ઘુસી ગયો હતો. તે નમાઝ દરમિયાન પહેલી હરોળમાં જ હતો અને વિસ્ફોટ સાથે તેણે પોતાને ઉડાડી દીધો.
નિરીક્ષકો કહે છે કે અત્યારે તો એવું લાગે છે કે, પાકિસ્તાનમાં વિશેષત: તેના સરહદી પ્રાંતમાં અને બલુચિસ્તાનમાં તો કાયદો અને વ્યવસ્થા જેવું કશું જ રહ્યું નથી કે સરકાર જેવું પણ કશું દેખાતું નથી.