Updated: Jan 30th, 2023
– જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું
– દિલ્હીમાં એક મહિનો ચાલે તેટલો વરસાદ એક જ દિવસમાં પડી ગયોઃ મેદાની વિસ્તારોમાં ભારે ધુમ્મસથી જનજીવનને અસર
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં અત્યારે ભારે હિમવર્ષા, વરસાદ, કોલ્ડવેવ અને ધુમ્મસગ્રસ્ત વાતાવરણનું અદભુત સંયોજન જોવા મળી રહ્યું છે. ે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડમાં તો ચમોલી જિલ્લામાં હિમપ્રપાત પણ જોવા મળ્યો છે તો દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં ઠંડી જોવા મળી છે અને તેની સાથે વરસાદ પણ પડયો છે. દિલ્હીમાં એક જ દિવસમાં શહેરને મહિનો ચાલે તેટલો વરસાદ વરસી ગયો છે, તેની સામે પ્રદૂષણમાં રાહત મળી છે.
જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર કાશ્મીર ખીણ બરફથી છવાઈ ગઈ છે. કાશ્મીરમાં તો ત્રણ-ત્રણ ફૂટ બરફ રસ્તા પર જોવા મળી રહ્યો છે. જમ્મુમાં પણ આવી જ સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર હાઇવે ભારે હિમવર્ષાના લીધે અને પર્વતો પરથી પથ્થરો પડવાના લીધે બંધ કરી દેવો પડયો છે.
તેની જોડે હિમાચલ પ્રદેશમાં નૈનિતાલ અને શિમલા જેવા પર્વતીય વિસ્તારો હિમાચ્છાદિત થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હિમાચલમાં લાહોલ સ્પિતિ અને કિન્નોરમાં ભારે હિમવર્ષા થઈ છે. લાહૌલમાં ઉદયપુર પાસે હિમખંડ પડતા ચિનાબનો પ્રવાહ કલાક સુધી રોકાઈ ગયો હતો. કિન્નોર જિલ્લાના ટિંકુ નાળામાં હિમખંડ પડતા નેશનલ હાઇવે પાંચ પર વાહનવ્યવહાર રોકાઈ ગયો હતો. હિમાચલના પર્વતોની ટોચો બરફથી લદાઈ ગઈ છે. સોમવાર સાંજ સુધી ત્રણ નેશનલ હાઇવે અને ૪૯૬ રસ્તાઓ અને ૯૦૮ વીજ ટ્રાન્સફોર્મર જામ રહ્યા.
ઉત્તરાખંડમાં હિમવર્ષાને લઈને હવામાન વિભાગનું અનુમાન સચોટ પુરવાર થયું. વાતાવરણમાં પલ્ટો આવતા કુમાઉના કેટલાય પર્વતોની ટોચ બરફથી ઢકાઈ ગઈ છે.