Updated: Mar 11th, 2023
– મંદિરે દર્શન કરી પરત ફતેપુર આવતી વખથે અકસ્માત નડયો : ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : ઝીંઝુવાડાના રણમાં આવેલા વાછડાદાદાના મંદિરે દર્શન કરીને પોતાના ગામ ફતેપુર પરત આવી રહેલા ચાર સવારી બાઈક સાથે પુરઝડપે પસાર થતી તુફાનની ટક્કર થતા અકસ્માતમાં છ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે મહિલા સહિત ત્રણને નાની-મોટી ઈજા થઇ હતી. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસમાં તુફાન ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
પાટડી તાલુકાના ફતેપુર ગામે રહેતા સાગરભાઈ, તેમના પત્ની શાંતીબેન,અને જીગરભાઈ ગામના જ અર્જુનભાઈ પાડીવાડીયાના છ વર્ષના દિકરા ધાર્મિકને લઈને બાઈક ઉપર રણમાં વાછડાદાદાના મંદિરે દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે મંદિરથી દોઢ કિ.મી. દુર ફતેપુર ગામ તરફ પુરપાટ ઝડપ,ે આવતી તુફાન ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા આગળ બેઠેલા માસુમ ધાર્મિકનું ગંભીર ઈજાથી મોત નિપજેલ હતું. દિપકભાઈ અને જીગરભાઈને ઈજાઓ થતા વિરમગામ દવાખાને લઈ જવાયા હતા. જ્યારે શાંતિબેનને સામાન્ય ઈજા થઈ હતી. આ અંગે મૃતક ધાર્મિકના પિતા અર્જુનભાઈ ભોપાભાઈ પાડીવાડીયાએ ઝીંઝુવાડા પોલીસમાં તુફાન ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.