Updated: Mar 11th, 2023
– ભારતમાં એચ3એન2-કોરોનાના વધતા કેસથી કેન્દ્ર ચિંતિત
– શાંક્સી પ્રાતંમાં શિઆન શહેરમાં ઓફિસો, સ્કૂલો અને ભીડવાળા સ્થળો બંધ કરવા આદેશ અપાતા પ્રજામાં રોષ
નવી દિલ્હી/બેઈજિંગ : ભારતમાં સિઝનલ ઈન્ફ્લુએન્ઝાના પેટા પ્રકાર એચ૩એન૨ના કેસોમાં વધારા વચ્ચે કેન્દ્રે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં પોઝિટિવિટી રેટમાં ક્રમિક વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજીબાજુ ચીનમાં પણ કોરોના પછી હવે ઈન્ફ્લુએન્ઝાના કેસો વધી રહ્યા છે. અનેક શહેરોમાં ઈન્ફ્લુએન્ઝાને પગલે લોકડાઉન લગાવવા તૈયારી ચાલી રહી છે, જેને પગલે જનતા ભડકી ઊઠી છે. ભારતમાં કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી અથવા ગંભીર તિવ્ર શ્વસન સંક્રમણના કેસના રૂપમાં શ્વસન સંબંધિ રોગોના એકીકૃત નિરીક્ષણ માટે દિશા-નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. આ સાથે રાજ્યોને દવાઓ અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા, રસીકરણ જેવી હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવા પણ જણાવાયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના મહામારીમાં ઘણો ઘટાડો આવ્યો છે. જોકે, કેટલાક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવિટી રેટમાં ક્રમિક વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક છે. જેના પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તુરંત ધ્યાન આપવાની જરૂર છે.
દરમિયાન ચીનમાં પણ ઈન્ફ્લુએન્ઝાના કેસ વધી રહ્યા છે. ગયા સપ્તાહે શાંક્સી પ્રાંતમાં એક લોકપ્રિય પ્રવાસન સ્થળ અને વિશ્વ પ્રસિદ્ધ ટેરાકોટા યોદ્ધાઓના સ્થળ શીઆન શહેરે ઈમર્જન્સી યોજના જાહેર કરી હતી, જે મુજબ ગંભીર તાવના કેસ વધતા બિઝનેસ, સ્કૂલો અને અન્ય ભીડવાળા સ્થળોને બંધ કરવા આદેશ અપાયા હતા. આ જાહેરાતની સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તિવ્ર પ્રતિક્રિયા આપી હતી. લોકોએ આ યોજનાને ઝીરો કોવિડ પોલિસી સમાન ગણાવી હતી, જેમાં લોકો પર આકરા પ્રતિબંધો મૂકાયા હતા. લોકોનું કહેવું છે કે લોકડાઉન જેવા સમાચારો મારફત લોકોમાં ડર પેદા કરવા કરતાં વહીવટી તંત્રે લોકોનું રસીકરણ કરવું જોઈએ. શીઆન શહેરમાં બીમારીની ઓળખ કર્યા વિના જ ઓફિસો અને સ્કૂલો બંધ કરવા પર વિચાર થઈ રહ્યો છે જે આશ્ચર્યજનક છે.