– સોનાના ભંડારનું મૂલ્ય ૨૮.૨ કરોડ ડોલર વધીને ૪૨.૦૩૩ અબજ ડોલર
– પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ પણ વધ્યું
Updated: Mar 11th, 2023
અમદાવાદ : રૂપિયામાં ઘસારા અને ઈક્વિટી-બોન્ડ માર્કેટમાં એકતરફા કડાકાને પગલે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે માર્ચ મહિનાની સારી શરૂઆત થઈ છે અને ૩ માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૧.૪૫૮ અબજ ડોલરનો વધારો થયો છે અને તે ૫૬૨.૪૦ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
આ અગાઉના સતત ચાર સપ્તાહથી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. આ ચાર સપ્તાહમાં જ રિઝર્વ ૧૫.૮૩ અબજ ડોલર ઘટયું હતુ.
આરબીઆઈએ જાહેર કરેલ ડેટા અનુસાર ૩ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ ૧.૧૮૧ અબજ ડોલર વધ્યું છે. આ સપ્તાહે સોનાના ભંડારનું મૂલ્ય ૨૮.૨ કરોડ ડોલર વધીને ૪૨.૦૩૩ અબજ ડોલર થયું હતું.
રિઝર્વ બેંકના ડેટા અનુસાર ગત સપ્તાહે ભારતના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સમાં ઘટાડો થયો છે અને તે ૧.૩ કરોડ ડોલર ઘટીને ૧૮.૧૭૪ અબજ ડોલર થયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં રાખવામાં આવેલ રિઝર્વ પણ ૮૦ લાખ ડોલર વધીને ૫.૧૦૭ અબજ ડોલર પહોંચી ગયું છે.
પાકિસ્તાન નાદારીના આરે પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી લોન લેવા માટે પાકિસ્તાન મરણિયા પ્રયાસ કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકનું કુલ વિદેશી મુદ્રા ભંડાર ૩.૧૧ અબજ ડોલરના તળિયે પહોંચ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થઈ રહ્યો છે.
જોકે ૩ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૧૭ કરોડ ડોલર ઘટીને ૨.૯૧ અબજ ડોલર થયું હતુ પરંતુ પછી ૧૦, ૧૭ અને ૨૪ ફેબ્રુઆરીએ વધીને અનુક્રમે ૩.૧૯, ૩.૨૫ અને ૩.૮૧ અબજ ડોલર થયું હતુ. હવે ૩ માર્ચ, ૨૦૨૩ના રોજ પાકિસ્તાનનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધીને ૪.૩૦૧ અબજ ડોલર થયું છે.