Updated: Mar 11th, 2023
– બાળકને ઇજાના નિશાન પણ મળી આવ્યા : આજે બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં બે વર્ષના માસૂમ પુત્રને બે રહેમીથી માર મારીને મોત નિપજાવવાના ચકચારી બનાવમાં પોલીસે માતા અને તેના પ્રેમીને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ પિયરમાં રહેતી હુસેનાબેન નામની પરિણિતા તેના પ્રેમી જાકીર સાથે (પ્રથમ પતિથી થયેલા) બે વર્ષના પુત્ર આર્યનને લઈને દોઢ મહીનાથી વઢવાણ રહેવા આવી હતી. બુધવારે તેના પુત્ર આર્યનની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ લઈ જવાયેલ જ્યાં તેના પ્રથમ પતિ સલીમે માર મારવાથી પુત્રનું મોત નિપજ્યાના આક્ષેપ કરતા મૃતક બાળકની લાશને ફોરેન્સીક પી.એમ. માટે મોકલાઈ હતી. જ્યાં પ્રાથમીક અભિપ્રાયમાં બાળકનું મોત વધુ પડતો માર મારવાથી થયાનું ખુલતા સુરેન્દ્રનગર સીટી બી-ડીવીઝન પોલીસે માતા હુસેનાબેન અને તેના પ્રેમી જાકીર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ પોલીસે હુસેનાબેનને તેના રાજકોટના પિયરમાંથી જ ઝડપી લીધી હતી તેના પ્રેમી જાકીરને વઢવાણના મુળચંદ રોડ ઉપરથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. બાળકના માથામાં તથા શરીર ઉપર ઈજાના અનેક નિશાન જોવા મળેલ છે પોલીસ દ્વારા બન્નેની આકરી પુછપરછ કરી છે આજે બન્નેને કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.