– વર્તમાન વર્ષમાં ઊંચા તાપમાનને કારણે વીજ માગ વિક્રમી રહેવા અંદાજ
Updated: Mar 11th, 2023
મુંબઈ : વર્તમાન વર્ષના ઉનાળામાં તાપમાન નોંધપાત્ર ઊંચુ રહેવાની શકયતા છે ત્યારે બીજી બાજુ વીજ ઉત્પાદનમાં માટે અતિ આવશ્યક એવા કોલસાના અછત સર્જાવાનો ભય વ્યકત કરવામાં આવ્યો છે.
કોલસા આધારિત વીજ ઉત્પાદકોને પાઠવેલા એક પત્રમાં વીજ મંત્રાલયે આગામી નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જુનના ગાળામાં કોલસા પૂરવઠામાં બે કરોડ ટનની અછત રહેવાની ચિંતા વ્યકત કરી છે.
જુન ત્રિમાસિક ગાળામાં ૨૨.૨૦ કરોડ ટન્સની આવશ્યકતા સામે દેશમાં કોલસાનો પૂરવઠો ૨૦.૧૦ કરોડ ટન્સ સુધી સીમિત રહેવાની વીજ મંત્રાલય વતિ ઉત્પાદકોને માહિતી આપવામાં આવી છે.વર્તમાન ઉનાળામાં વીજની માગ ૨૨૯ ગીગાવોટ જેટલી વિક્રમી રહેવા અપેક્ષા છે. વીજ માગમાં વધારા ઉપરાંત રેલવે રેકસની અછત પણ કોલસાના પૂરવઠા પર અસર કરશે.
ગયા વર્ષની જેમ વર્તમાન વર્ષના ઉનાળામાં દેશમાં વીજ સંકટ ઊભુ ન થાય તેની ખાતરી રાખવા સરકારે અત્યારથી જ કમર કસી છે, અને કોલસા આધારિત વીજ એકમોને સંપૂર્ણ સ્તરે કામ કરવા તથા કોલસાની આયાત વધારવા સૂચના અપાઈ છે.
વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓને પણ વીજ ઉત્પાદકોને સમયસર બિલની ચૂકવણી કરી દેવા જણાવાયું હોવાનું વીજ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
વીજ બિલ ચૂકવવામાં કોઈપણ ઢીલ થશે તો વીજ ઉત્પાદકો પોતાની વીજળી પાવર એકસચેન્જોમાં વેચી શકશે.