મુંબઈમાં એક માર્ગ અકસ્માત મામલે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી
પીડિત મકરંદ પટવર્ધનના પરિવારને 1.25 કરોડ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો
Updated: Mar 12th, 2023
image : Wikipedia |
મુંબઈમાં એક માર્ગ અકસ્માત મામલે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે ટાયર ફાટવું એ એક્ટ ઓફ ગોડ ન કહેવાય પણ તે માનવીની બેદરકારી ગણાય. એક વીમા કંપનીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર આપવા વિરુદ્ધ અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.
હવે વીમા કંપનીએ આટલો વળતર ચૂકવવો પડશે
જસ્ટિસ એસ.જી. ડિગેની સિંગલ બેન્ચે 17 ફેબ્રુઆરીના તેના આદેશમાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલના 2016ના ચુકાદા વિરુદ્ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. જેમાં પીડિત મકરંદ પટવર્ધનના પરિવારને 1.25 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબર 2010ના રોજ પટવર્ધન તેના બે સાથીઓ સાથે કારમાં પૂણેથી મુંબઈ આવી રહ્યો હતો. આ દરમિયાન કારના પાછળના વ્હીલનું ટાયર ફાટતાં કાર ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં પટવર્ધનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વીમા કંપનીએ શું કહ્યું?
ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું હતું કે પીડિત તેના પરિવાર માટે કમાનાર એક જ વ્યક્તિ છે. જ્યારે વીમા કંપનીએ તેની અપીલમાં કહ્યું હતું કે વળતરની રકમ ખૂબ જ વધારે છે અને ટાયર ફાટવું એ એક્ટ ઓફ ગોડ હતું. તે ડ્રાઇવરની બેદરકારીનું પરિણામ નથી. હાઇકોર્ટે આ અપીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ડિક્શનરીમાં એક્ટ ઓફ ગોડનો અર્થ સંચાલનમાં અનિયતંત્રિત કુદરતી બળોનું ઉદાહરણ છે. આ ઘટનામાં ટાયર ફાટવું એ એક્ટ ઓફ ગોડ ન માની શકાય. આ તો માનવીની બેદરકારી છે.
કોર્ટના આદેશમાં શું છે?
કોર્ટે વધુમાં કહ્યું કે, “ટાયર ફાટવાના ઘણા કારણો છે, જેમ કે વધુ સ્પીડ, ટાયરમાં ઓછી કે વધારે હવા અથવા સેકન્ડ હેન્ડ ટાયર અને તાપમાન.” આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કારના ડ્રાઈવરે મુસાફરી કરતા પહેલા ટાયરની સ્થિતિ તપાસવી પડે છે. ટાયર ફાટવું એ નેચરલ એક્ટ ન માની શકાય. આ માનવીય બેદરકારી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે માત્ર ટાયર ફાટવાને એક્ટ ઓફ ગોડ ગણાવી વીમા કંપનીને વળતર ચૂકવવાથી મુક્તિ ન મળી શકે.