– “24ની ચૂંટણીની તડામાર તૈયારી
– સીબીઆઇ, ઇ.ડી. અને આઇ.ટી. એક્શન્સનો પ્રારંભ જ કોંગ્રેસે કર્યો છે : સપા પ્રમુખ
લખનૌ : ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે માત્ર ભાજપ કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોએ જ નહીં પરંતુ બસપા, આમ આદમી પાર્ટી, ટીએમસી, એનસીપી, બીઆરએસ અને દ્રમુક તથા બંને સામ્યવાદી પક્ષો તથા અકાલી દળ અને જ.કા.ના નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષો પણ ચૂંટણી તૈયારીઓ કરવા લાગ્યા છે.
ઉ.પ્ર.માં વિધાનસભા અને લોકસભાની મળી છેલ્લી ચાર ચૂંટણીઓ હારી ચૂકેલા સપાના પ્રમુખ અખિલેશ યાદવ કોઈ મહાન ચમત્કાર કરવાની રાહ જોઈ રહ્યા છે.
સામાન્ય રીતે ભાજપ વિરૃદ્ધ રાજકારણ ખેલનારા અખિલેશ હવે કોંગ્રેસની સાથે જોવા મળતા નથી. આ સાથે વિશ્લેષકો વિચારે છે કે, શું ‘આપ’, બીઆરએસની જેમ અખિલેશને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી કે, શું તેઓ થર્ડ ફ્રન્ટ બનાવવાની કસરતમાં લાગી પડયા છે ?
હમણાં હમણાંથી તેઓ ભાજપ ઉપરાંત કોંગ્રસ ઉપર પણ હુમલાઓ કરી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે અમેઠી પહોંચેલા અખિલેશે એક ટ્વિટ કરી હલચલ મચાવી દીધી. તેમણે લખ્યું છે કે જો અહીં પણ આ હાલ છે તો બાકીના દેશના શા હાલ હશે ?
વર્ષોથી અમેઠી અને રાયબરેલી ગાંધી પરિવારનો ગઢ મનાય છે. અમેઠી મૂળ તો જવાહરલાલ નેહરૃનો મતવિસ્તાર હતો અહીંથી રાહુલ ગાંધી ઉભા રહ્યા હતા ત્યાં પરાજય થયો હતો તે અલગ વાત છે. રાયબરેલી ઇંદિરા ગાંધીનો મતવિસ્તાર હતો ત્યાંથી સોનિયા ગાંધી ઉભા રહ્યા હતા. રાહુલ કેરળના વાયનડમાંથી પણ ઉભા રહ્યા હતા જ્યાંથી તેઓ સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. આ બંને સીટો ઉપર અખિલેશ પોતાના ઉમેદવારો ઉભા રાખે તો કોંગ્રેસને ભારે નુકસાન થાય તેમ છે.
બીજી તરફ ઇ.ડી. અને સી.બી.આઇ.ના નિશાન પર કેટલાય વિપક્ષી નેતાઓ છે ‘આપ’ના દિગ્ગજ નેતા શરાબ ગોટાળામાં ફસાયા છે. તો રાજદ નેતા લાલુ યાદવનો સંપૂર્ણ પરિવાર ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે.
આવી ઘટનાઓને લીધે વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર ઉપર પસ્તાળ પાડવી શરૃ કરી છે. આ દરોડાઓ પૂર્વે ગુજરાત અને અમદાવાદમાં કેન્દ્રના કોંગ્રેસ શાસન સમયે પડાયેલા દરોડાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ દરોડાઓની શરૃઆત જ કોંગ્રેસ શાસનમાં થઈ છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશે નાના નાના પક્ષોનો જ સાથ લીધો હતો. કોંગ્રેસનો નહી તેથી સ્પષ્ટ થાય છે કે, હવે અખિલેશ કોંગ્રેસ સિવાયનો થર્ડ ફ્રન્ટ રચવા ગણતરીઓ માંડી રહ્યા છે.