અગાઉ ઋષિકેશ પટેલે કહ્યું ‘મોહનથાળ બગડી જાય છે, અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’
હવે ઋષિકેશ પટેલ કહ્યું, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે’
Updated: Mar 12th, 2023
અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર
અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ અગાઉ ચિક્કીના વખાણ કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે. અગાઉના નિવેદનમાં ચિક્કીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’
અગાઉ ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’
અગાઉ ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્વારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.
અંબાજી પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે : નીતિન પટેલ
અંબાજી મહાપ્રસાદને વિવાદને લઈ ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અંબાજી પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે છે અને સરકાર યોગ્ય નિરાકરણ લાવશે. ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.