મદુરૈ એરપોર્ટ પર પલાનીસ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા પેસેન્જર પર કથિત રીતે હુમલો કર્યો હતો
એક સભામાં હાજરી આપવા જઇ રહ્યા હતા AIADMKના વચગાળાના મહાસચિવ
Updated: Mar 12th, 2023
image : Wikipedia |
AIADMKના વચગાળાના મહાસચિવ અને તમિલનાડુના પૂર્વ સીએમ ઈડપ્પદી પલાનીસ્વામી સહિત છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ નેતાઓ પર એવો આરોપ છે કે તેઓએ મદુરૈ એરપોર્ટ પર પલાનીસ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા પેસેન્જર પર કથિત રીતે હુમલો કર્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે પલાનીસ્વામી વિરુદ્ધ નારા લગાવનાર વ્યક્તિની પણ ધરપકડ કરી છે.
એરપોર્ટ પોલીસે કરી તપાસ
એરપોર્ટ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે સૂત્રોચ્ચાર કરનાર વ્યક્તિ સિંગાપોરમાં કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરતો હતો. શિવાગંગઈમાં AIADMKની સામાન્ય સભામાં હાજરી આપવા માટે ચેન્નઈ એરપોર્ટથી ઈ. પલાનીસ્વામી મદુરૈ જવા રવાના થયા હતા. આ દરમિયાન એક પેસેન્જરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નજીકના વિશ્વાસુ વી.કે. શશિકલાને “દગો’ આપવા બદલ તે સતત પલાનીસ્વામીની ટીકા કરી રહ્યો હતો.
આ પેસેન્જર લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે પલાનાસ્વામી તેમના અંગત સુરક્ષા અધિકારી કૃષ્ણન સાથે ફ્લાઈટમાંથી ઉતર્યા પછી ટર્મિનલ બિલ્ડિંગના આગમન હોલ તરફ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન, વ્યક્તિએ ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના વચગાળાના મહાસચિવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. વીડિયોમાં પલાનીસ્વામી ચાલતી બસમાં સૂત્રોચ્ચાર કરી રહેલા એક વ્યક્તિ પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કરતા દેખાય છે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે જ્યારે બસ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ પર પહોંચી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.