– હરમનપ્રીત સિંઘની હેટ્રિક, કાર્થી અને જુગરાજના પણ ગોલ
– ભારતે 1996 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
Updated: Mar 12th, 2023
ભુવનેશ્વર, તા.13
હોકીની પ્રો લીગમાં ભારતે ઘરઆંગણે શાનદાર દેખાવ કરતાં ઓસ્ટ્રેલિયા સામે 5-4થી વિજય મેળવ્યો હતો. ભારતીય મેન્સ ટીમે આ સાથે 1996 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરી હતી. છેલ્લે આવી સિદ્ધિ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, હજુ ત્રણ દિવસ પહેલા ભારતે વર્લ્ડ ચેમ્પિયન જર્મની સામે વિજય મેળવ્યો હતો.
ભુવનેશ્વરમાં રમાયેલી પ્રો લીગની હોકી મેચમાં હરમનપ્રીત સિંઘે ગોલ હેટ્રિક નોંધાવી હતી. જ્યારે કાર્થી અને જુગરાજે પણ ગોલ ફટકાર્યા હતા. મેચમાં એક તબક્કે ભારતે 4-1થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કરતાં સ્કોરને 3-4 પર લાવી દીધો હતો. આખરી મિનિટોમાં હરમનપ્રીતે ભારતની સરસાઈને આગળ ધપાવી હતી અને ભારતે 5-3થી લીડ મેળવી હતી. છેલ્લી ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ગોલ ફટકાર્યો હતો. જોકે ત્યાર બાદ ભારતે મજબુત ડિફેન્સ જાળવી રાખતાં જીત હાંસલ કરી હતી.
બેલ્ઝના ત્રીજી મિનિટના ગોલને સહારે ઓસ્ટ્રેલિયાને લીડ મેળવી હતી. જોકે હરમનપ્રીતે 14મી અને 15મી મિનિટે તેમજ જુગરાજે 18મી મિનિટે ગોલ ફટકારતાં સરસાઈને 3-1 પર પહોંચાડી હતી. કાર્થીએ 26મી મિનિટે ભારત તરફથી ચોથો ગોલ ફટકાર્યો હતો. વિલોસે 43મી અને સ્ટાઈનેસે 53મી મિનિટે ગોલ નોંધાવતા ઓસ્ટ્રેલિયાને મેચમાં પાછું લાવવાનો પ્રયાસ કર્યો હતો. હરમનપ્રીતે 56મી મિનિટે અને ઝેલેવસ્કીએ 57મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.