આ મામલો લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બન્યો હતો
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે
Updated: Mar 12th, 2023
Image: Twitter |
એર-ઈન્ડિયાના પેસાબ કાંડ બાદ હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિ ફ્લાઈટના ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ફ્લાઈટમાં 37 વર્ષીય વ્યક્તિ ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો
પેસાબ કાંડ બાદ હવે લંડનથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 37 વર્ષીય વ્યક્તિ ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. આ વ્યક્તિનું નામ રત્નાકર કરુકાંત દ્વિવેદી જાણવા મળ્યુ હતું જેની ઉમર આશરે 37 વર્ષ જાણવા મળી હતી. આ બાદ સહાર પોલીસે આરોપી રમાકાંત કરુકાંત દ્વિવેદી વિરુદ્ધ IPCની કલમ 336 અને એરક્રાફ્ટ એક્ટ 1937ની કલમ 22, 23 અને 25 હેઠળ કેસ નોંધ્યો છે.
ક્રૂ મેમ્બરોએ પેસેન્જરના હાથ-પગ બાંધી દીધા હતા
એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરે આ મામલે સહાર પોલીસને જણાવ્યું કે ફ્લાઈટમાં ધૂમ્રપાન કરવાની મંજૂરી નથી પરંતુ તે બાથરૂમમાં ગયો કે તરત જ એલાર્મ વાગવા લાગ્યું અને જ્યારે તમામ ક્રૂ બાથરૂમ તરફ દોડ્યા ત્યારે અમે જોયું કે તેના હાથમાં સિગારેટ છે. અમે તરત જ તેના હાથમાંથી સિગારેટ ફેંકી દીધી હતી અને પછી રમાકાંતે અમારા તમામ ક્રૂ મેમ્બર્સ પર બૂમો પાડવાનું શરૂ કર્યું. કોઈક રીતે અમે તેને તેની સીટ પર લઈ ગયા. પરંતુ થોડા સમય પછી તેણે વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરે સહાર પોલીસને જણાવ્યું કે રમાકાંત અમારી વાત સાંભળવા તૈયાર ન હતો અને માત્ર બૂમો પાડી રહ્યો હતો. જે બાદ અમે તેના હાથ-પગ બાંધીને સીટ પર બેસાડ્યો હતો. આ પછી તેણે માથું પછાડવાનું શરૂ કર્યું હતું.
પોલીસે તેને કસ્ટડીમાં લઈ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો
ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જર રમાકાંતને સહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.