Updated: Mar 12th, 2023
– ભવનના અધિકારીઓના ત્રણ ડ્રાઇવર દમણથી દારૂ લાવ્યાઃ બોલેરો રીપેરીંગ કરવાની છે કહી એક પોતે લઇ ગયો હતો, કુલ રૂ. 8.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
સુરત
મોરાભાગળ હનુમાન ટેકરી નજીક નારાયણ નગર એપાર્ટમેન્ટ પાસેથી રાંદેર પોલીસે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી સરકારી અધિકારીની બોલેરો સહિતની બે કારમાંથી રૂ. 25,900 ના દારૂના જથ્થા સાથે વટસરીયા બંધુ સહિત ત્રણની ધરપકડ કરી કુલ રૂ. 8.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
રાંદેર પોલીસના પો.કો. ભવાનસિંહ હવુભા અને વિકાસ હમીરભાઇને મળેલી બાતમીના આધારે મોરાભાગળ હનુમાન ટેકરી નજીક નારાયણ નગર એપાર્ટમેન્ટ પાસેથી ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી અને બ્લુય ટોપ લાઇટ વાળી બોલેરા કાર નં. જીજે-5 જીવી-1266 અને સ્વીફ્ટ ડીઝાઇર કાર નં. જીજે-5 સીયુ-9494 ને કોર્ડન કરી તેની તલાશી લીધી હતી. જે પૈકી બોલેરા કારમાં પાછળની સીટ નીચે ચાર બોક્સમાંથી 35 દારૂની બોટલ અને 24 નંગ બીયરના ટીન મળી રૂ. 19,400 નો દારૂ મળ્યો હતો. જયારે ડીઝાઇર કારની પાછળની સીટ પરથી દારૂની 12 નંગ બોટલ કિંમત રૂ. 6 હજારનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે બોલેરા કારના ચાલક રેનીશ નિજારભાઇ વટસરીયા (ઉ.વ. 28 રહે. સેજલ કોમ્પ્લેક્ષ, લક્ષ્મી ડેરીની ગલીમાં, પાલનપુર પાટીયા અને મૂળ. અમરાપરગીર, તા. માળીયા હાટીના, જૂનાગઢ) અને ડીઝાઇર કારના ચાલક સાજીદ બદરૂદ્દીન હાજીયાણી (ઉ.વ. 29 રહે. ગુલીસ્તાનગર, નાખુદાની હોસ્ટેલ પાસે, હનુમાન ટેકરી, મોરાભાગળ અને મૂળ. ધારી, અમરેલી) અને તેની સાથે કારમાં સવાર રાહુલ નિજાર વટસરીયા (ઉ.વ. 26) ની ધરપકડ કરી કુલ રૂ. 25,900 નો દારૂ, બોલેરો કાર રૂ. 4.50 લાખ અને ડીઝાઇર કાર રૂ. 3.50 લાખ મળી કુલ રૂ. 8,25,400 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વટસરીયા બંધુ અને સાજીદની પૂછપરછમાં દારૂની 13 નંગ બોટલ ધનરાજ પ્રાણલાલ પોમલા (રહે. શીવદર્શન સોસાયટી, મોરાભાગળ) ને વેચાણ કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ધનરાજને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી સરકારી અધિકારીની કારમાંથી દારૂનો જથ્થો મળતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જયારે રેનીશ અને રાહુલ તથા સાજીદ વેસુ સ્થિત સુડા ભવનમાં આઉટ સોર્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.
પ્રાઇવેટ વ્હીકલમાં દમણથી દારૂ લાવ્યા, સુડા ભવન પાસે છુપાવ્યો અને બોલેરોમાં લઇને નીકળ્યા
દારૂ સાથે ઝડપાયેલા રેનીશ વટસરીયા અને તેનો ભાઇ રાહુલ તથા સાજીદ હાજીયાણી ત્રણેય વેસુના સુડા ભવન ખાતે આઉટ સોર્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જે પૈકી રેનીશ એડીશનલ ક્લેકટર વિનેશકુમાર બાગુલ, ડેપ્યુટી ક્લેકટર જુહી પાંડે અને ચીફ ઓફિસર કેતન વાનાણીની જરૂરિયાત મુજબ કાર ચલાવતો હતો. જયારે રેનીશ અને સાજીદ નગરપાલિકાના સાઉથ ઝોનના કમિશ્નર અરવિંદ વીજયનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે રાતે સુડાના અધિકારીને લઇને રેનીશ ગાંધીનગર ગયો હતો. જયાંથી મધરાતે પરત આવ્યો ત્યારે બોલેરોમાં રીપેરીંગ કામ છે કહી પોતાની સાથે લઇ ગયો હતો. જયારે રેનીશ, રાહુલ અને સાજીદ પ્રાઇવેટ વ્હીકલમાં દમણ ગયા હતા. જયાંથી અલગ-અલગ વાઇન શોપમાંથી દારૂની બોટલ ખરીદી સુડા ભવન નજીક અવાવરૂ જગ્યા પર સંતાડી હતી અને ત્યાર બાદ રેનીશ અને સાજીદ બોલેરો તથા ડિઝાઇર કારમાં ત્યાંથી દારૂ લઇ મોરાભાગળ વિસ્તારમાં પહોંચ્યા હતા.