અત્યાર સુધીમાં 15 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે
પ્રવાસીઓ ગંગટોકથી 42 કિમી દૂર રસ્તામાં ફસાયેલા છે
Updated: Mar 12th, 2023
Image : Screen grab twitter |
અમદાવાદ, 12 માર્ચ 2023, રવિવાર
છેલ્લા ઘણા દિવસથી સિક્કિમમાં હિમવર્ષા થઈ રહી છે. આ કારણે ઠેર ઠેર બરફના થર જામી ગયા છે. હિમવર્ષાને કારણે વાહન ચલાવવામાં મુશકેલી પડી રહી છે. આ જ કારણે સિક્કિમમાં અનેક મુસાફરો અટવાયા હતા. આ તમામ મુસાફરોને સલામત રીતે બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સેના સાથે મળીને બચાવ કામગીરી શરુ કરી દીધી છે.
સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે લગભગ 900 પ્રવાસીઓ અટવાયા છે. આ તમામ 89 વાહનોમાં ગઈકાલ સાંજે નાથુ લા અને ત્સોમગો તળાવથી ગંગટોક પરત ફરી રહ્યા હતા. પોલીસે સેના સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 15 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસીઓ ગંગટોકથી 42 કિમી દૂર રસ્તામાં ફસાયેલા છે.
સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બરફ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યો છે અને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પમાં સમાવી શકાય છે. પૂર્વ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે વહીવટીતંત્રે થોડા દિવસો પહેલા નાથુલા અને ત્સોમગો તળાવ માટે પાસ આપવાનું બંધ કરી દીધું હતું.