Updated: Mar 12th, 2023
– સળિયાના “કડિંગ’ વખતે જ મોરબી એસઓજી ટીમનો દરોડો
– 1400 કિલોના લોખંડના સળિયા સાથે બેની અટકાયત, 19.24 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ : હળવદ નજીક દરોડો પાડી લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ મોરબી એસઓજીની ટીમે ઝડપી પાડયું છે. ટ્રકમાંથી સળિયાના ભારાનું ‘કટિંગ’ થતું હતું તે વેળાએ જ રેડ પાડીને પોલીસે રૂા. ૭૭,૦૦૦ના ૧૪૦૦ કિલો લોખંડના સળિયાના ૨૦ ભારા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.
હળવદના કોયબા ઢવાણા જવાના રસ્તે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક એરિયામાં આવેલા બાયો પેલેટનાં કારખાનાની પાછળના ભાગે મોરબી એસઓજીની ટીમે દરોડો પાડીને લોખંડના સળિયા ચોરી કરતા મહેશભાઈ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઈ લીંબોળા તેમજ ટ્રક ડ્રાઈવર દિલીપસિંઘ અમરસિંઘ પવારને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી કુલ ૧૪૦૦ કિલો લોખંડના સળિયાની ૨૦ ભારી જેની કુલ કિંમત રૂા. ૭૭૦૦૦ કબજે કરવામાં આવી હતી. આ તમામ લોખંડની ભારીઓ વિશે પૂછપરછ કરતા આરોપી મહેશ ઉર્ફે મહેન્દ્રસિંહએ કબૂલાત આપી હતી કે, ૨૦ પૈકી ૧૮ લોખંડની ભારી અલગ અલગ ટ્રક ડ્રાઇવરોને લાલચ આપી તેમની પાસેથી ઓછી કિંમતમાં લીધી છે અને અન્ય બે ભારી હાલમાં ઝડપાયેલા ટ્રક ડ્રાઈવર આપવા આવ્યો હતો અને એ ભારીઓ ટ્રકમાંથી ઉતારતી વેળાએ જ મોરબી એસઓજીએ દરોડો પાડતા બન્ને ઝડપાઈ ગયા હતા. આ ગુનામાં પોલીસે ૧૪૦૦ કિલો વજનના ૨૦ ભારા સળિયા જેની કિંમત રૂપિયા ૭૭૦૦૦ અને બે મોબાઇલ ફોન જેની કીમત રૂપિયા ૧૦૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે.આરોપીઓ જે ટ્રેલરમાંથી સળિયા ઉતારતા હતા તે ટ્રેલર જેની કિંમત રૂા. ૨૫,૦૦,૦૦૦ અને ટ્રેલર ભરેલા બિલવાળા સળિયામાંથી ચોરી માટે ઉતારેલ ૩૪,૮૪૦ કિલો સળિયાનું વજન બાદ કરીને ૧૯,૨૩,૯૦૦ રૂપિયાનો મુદામાલ હળવદ પોલીસ મથકમાં સુરક્ષિત ખસેડીને ખરાઈ કરીને તેના માલિકને પરત કરવા તજવીજ હાથ ધરી છે.