ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ હવે મલ્ટી-સીટ ફ્લાઈંગ (MSF)ને મંજૂરી આપી
ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી પરવાનગી મુજબ એક જ પાયલટ બોઇંગ 777 અને 787 એમ બંનેને ઉડાવી શકશે
Updated: Mar 12th, 2023
image : Wikipedia |
એર ઈન્ડિયાની લાંબા સમયથી પડતર માંગને ડીજીસીએની મંજૂરી મળી ગઈ છે. હવે એર ઈન્ડિયાના પાયલટને બે અલગ-અલગ પ્રકારના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી પરવાનગી મુજબ એક જ પાયલટ બોઇંગ 777 અને 787 એમ બંનેને ઉડાવી શકશે.
હવે મલ્ટી-સીટ ફ્લાઈંગ (MSF)ને મંજૂરી આપી
અગાઉ એર ઈન્ડિયા દ્વારા બોઈંગ 777 અને 787 વિમાન ઉડાડવા માટે માત્ર 8 પાઈલટોને તાલીમ આપવામાં આવતી હતી. જેમાં 777 અને 787 ઉડાવવા માટે ચાર-ચાર પાઈલટનો સમાવેશ થતો હતો. જોકે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ હવે મલ્ટી-સીટ ફ્લાઈંગ (MSF)ને મંજૂરી આપી છે, જેનો અંદાજે અર્થ એ છે કે એક જ પાઈલટ બે પ્રકારના વિમાન ઉડાવી શકશે, જેના માટે તાલીમ પ્રક્રિયા થોડી કઠિન બનાવવામાં આવશે.
પાઇલટ્સને મળશે મોટી રાહત
ડીજીસીએની આ મંજૂરીથી પાયલટને મદદ મળશે. પાઇલટ્સનો ક્રોસ યૂઝ મદદરૂપ થશે. આ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પણ મદદ મળશે. હાલમાં એર ઈન્ડિયા પાસે લગભગ 700 વાઈડ બોડી પાઈલટ છે.
ડીજીસીએનો નિર્ણય
એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાને જણાવ્યું છે કે આઠ નોમિનેટ પાઈલટોમાંથી બધા પાસે બોઈંગ 777 અને 787ના સંચાલન મામલે ઓછામાં ઓછા 10 લેન્ડિંગ સાથે 150 કલાકનો ઉડાનનો સમય હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે લગભગ 16 દેશોમાં એરલાઇન્સ દ્વારા પાઇલટ્સનો ક્રોસ યૂઝ કરવામાં આવે છે.
એર ઈન્ડિયાનું પ્લાનિંગ
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા પાસે લગભગ 1,825 પાઈલટ છે અને એરલાઈન્સ તેના કાફલાનું વિસ્તરણ કરી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ પાઈલટની ભરતી કરવા માંગે છે. ગયા મહિને એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 70 વાઈડ બોડી વિમાન સહિત 470 વિમાનનો ઓર્ડર આપ્યો હતો.