Updated: Mar 12th, 2023
– મોરબીના પિપળી ગામેથી મામેરૂ લઇ અમદાવાદ ગયેલી બસ પર હુમલો
– હોટલ પર ચા પીતી વખતે થયેલી બોલાચાલી બાદ અસામાજિક તત્વોએ રસ્તામાં બસ આંતરી હુમલો કર્યો
હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક અસામાજિક તત્વોએ પ્રસંગમાં ગયેલા પરિવારની ખાનગી બસને આંતરી તેના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનામાં ખાનગી બસનો કાચ તૂટી જવા સાથે નવ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બે વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદથી મામેરુ પ્રસંગ પુર્ણ કરી આવી રહેલા મોરબીના પિપળી ગામના ડાભી પરીવારની ખાનગી બસ ચરાડવા ગામે ચા પીવા ઉભી રાખવામાં આવી હતી. જ્યાં ચાની દુકાને અસામાજિક તત્વો અપશબ્દો બોલતા હતા. આ તમામને અપશબ્દો બોલતા રોકતા તેઓ રોષે ભરાયા હતા. જે બાદ ચરાડવાથી ચા પીને ટ્રાવેલ્સ નીકળી ગઈ હતી. ત્યાર બાદ ગામથી એક કિ.મી. દૂર ટ્રાવેલ્સને ઉભી રાખી અસામાજિક તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ટ્રાવેલ્સમાં બેઠેલા લોકો સાથે મારા મારી કરી હતી.
આ હિંચકારા હુમલામાં ટ્રાવેલ્સ બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો. ટ્રાવેલ્સમાં સવાર રણછોડભાઈ સતાભાઈ ડાભી (રહે પીપળી. તા.મોરબી), ગેલાભાઈ મુમાભાઈ ડાભી, નવઘણભાઈ દેવાભાઈ ડાભી, કંકુબેન કરણભાઈ ગમારા (રહે વાવડી), હીરાભાઈ ગોવિંદભાઈ ડાભી, ભાણજીભાઈ વરવાભાઈ ડાભી, અરજણભાઈ વાસાભાઈ બાંભા અને નાથાભાઈ સતાભાઈ ડાભીને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી બસમાં સવાર ડાભી પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, ટોળાના હાથમાં ધારિયા, છરી અને પથ્થરો હતા. સાથે સાથે તેમની પાસે મરચાની ભૂકી પણ હતી.તેઓનો બસ લૂંટ કરવાનો પણ ઈરાદો હતો. આ તમામે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે આવી જતા તેઓનો જીવ બચ્યો હતા.
સાથે જ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનારા અમુક શખ્સને ઝડપી પણ લીધા હતા. આ બનાવમાં સામા પક્ષે સદામ ગુલ મોહમ્મદ ભટી (રહે. ચરાડવા) અને ઇમરાનભાઈ ગગાભાઈ જામ (રહે.ચરાડવા)ને પણ ઈજાઓ પહોંચી હોય સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે ફરિયાદી ભાણજીભાઈ વશરામભાઈ ડાભી (ભરવાડ)હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પોલીસે બે વ્યક્તિ સામે નામજોગ અને અન્ય ૬ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર કેસની તપાસ હળવદ પીઆઈ એમ.વી. પટેલ તથા પીએસઆઇ કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે.