Updated: Mar 12th, 2023
વડોદરા, તા. 12 માર્ચ 2023 રવિવાર
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા દક્ષાબેન બળવંતભાઈ પરમાર ઘરકામ કરે છે તેમજ ઘરની નજીકમાં કેબીન ખોલી વેપાર કરે છે. વારસિયા પોલીસને તેમણેજણાવ્યું હતું કે અમારી પાસે એક સ્કૂટર અને બે બાઈક છે. ત્રણેય વાહનો અમે અમારા બ્લોકની નીચે પાર્ક કરીએ છીએ. ગઈકાલે રાત્રે 10:30 વાગે હું કેબીન બંધ કરતી હતી. તે સમયે સુનિલ રાજપુત તથા પ્રકાશ પરમાર મારી કેબિન પર આવ્યા હતા ને મારા દીકરા હાર્દિક સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા જેથી મેં તેમને સમજાવીને પરત મોકલી દીધો હતો ત્યારબાદ રાત્રિના 11:00 વાગે પ્રકાશ પરમાર તેનો મોબાઈલ લઈને મારી પાસે આવેલા અને મને કહેલ કે લો મારા ફોનથી સૂરજ કહાર સાથે વાત કરો તેમ કહીને મને પ્રકાશ પરમારે ફોન આપતાં મે કોણ બોલો છો તે પૂછતા મને જણાવેલ કે હું છું ચૂઈ કહાર બોલું છું અને તારા છોકરાને સમજાવી દેજે સુનિલ સાથે કેમ ઝઘડો કર્યો તારો છોકરો દાદો થઈ ગયો છે તેના હાથ પગ તોડી નાખી તારા છોકરાને જીવતો નહીં રહેવા દઉ. તારા ઘરે આવીને તારા છોકરાને ઊંચકી જઈશ તેવી ધમકી આપી હતી. જેથી પ્રકાશ પરમારને તેનો ફોન પરત આપી દીધો હતો સૂરજ કહારે મારા દીકરાને અગાઉ ત્રણ વખત માર માર્યો હતો ને ઝઘડો કર્યો હતો. રાત્રે આશરે 2:00 વાગે મારો દીકરો ઉઠ્યો ત્યારે તેણે જોયું તો અમારી ત્રણેય ગાડીઓ સળગતી હતી. જેથી અમે જાગી ગયા હતા અને અમે પાણી ભરીને ગાડીઓ પર પણ નાખ્યું હતું ત્યારબાદ અમારા બ્લોકમાં રહેતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ ત્રણેય ગાડીઓ સુરજ ઉર્ફે ચૂઈ કહાર, સુનિલ રાજપૂતે સળગાવી દીધી હોવાની અમને શંકા છે.