આઉટસોર્સના ડ્રાઈવરો જ ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં દારુની હેરાફેરી કરતા પકડાયા, 3ની ધરપકડ
દારુની હેરાફેરી કરનારાઓ અધિકારીને ગાડી રિપેરિંગમાં મુકવાની બહાનું બતાવી વાહન લઈ જતા હોવાનો ખુલાસો
Updated: Mar 12th, 2023
સુરત, તા.12 માર્ચ-2023, રવિવાર
સુરતમાં સરકારી ગાડીમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી 25 હજાર વધુના દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
અધિકારીને ખોટું બહાનું બતાવી આરોપીએ ગાડી લઈ જતા હતા
મળતા અહેવાલો મુજબ સુરતમાં ક્લાસ વન અધિકારીની ગાડીમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આઉટસોર્સના ડ્રાઈવરો જ સરકારી ગાડીમાં દારુની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ મુજબ સિફ્ટ ડિઝાયર વાહન GJ05 CU9494માં દમણથી ઈંગ્લીશ દારુ મંગાવાયો હતો. પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, દારુની હેરાફેરી કરનારા આરોપીઓ અધિકારીને ગાડી રિપેરિંગમાં મુકવાની છે, એટલે ગેરેજમાં લઈ જઈએ છીએ, તેમ કહી સરકારી ગાડી લઈ જતા હતા અને આ સરકારી ગાડીનો ઉપયોગ દારુની હેરાફેરીમાં કરતા હતા.
પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
હાલ પોલીસે સરકારી ગાડીમાં દારુની હેરાફેરી મામલે 3 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 25,900 વિદેશી દારુના જથ્થા સહિત કુલ 8,25,083નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારુ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તેની તપાસ હાથ ધરી છે.