Updated: Mar 12th, 2023
– સક્કરબાગ ઝૂમાંથી બંને સ્થળે મોકલાશે પાંચ-પાંચ વરૂ
– સોફ્ટ રિલીઝ ફેસિલિટીમાં થોડો સમય શિકાર કરવાની તાલીમ આપ્યા બાદ ખુલ્લામાં છોડવાની થશે વિચારણા
જૂનાગઢ : જૂનાગઢ સક્કરબાગ ઝૂના બ્રિડિંગ સેન્ટરના વરૂ સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના મહેમાન બનવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ ૮૬માંથી પાંચ-પાંચ વરૂને મોકલવામાં આવશે. ઝૂમા ઉછેર થયેલ વરૂને સોફ્ટ રિલીઝ ફેસિલિટીમાં શિકાર કરતા શીખડાવવામાં આવશે અને શિકાર કરતા શીખી ગયા બાદ તેને જંગલમાં છોડવાની પણ વિચારણા થશે. એક સમયે લુપ્ત થવાના આરે પહોંચેલા વરૂને બચાવવા માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બ્રિડીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સક્કરબાગનું ઝૂ અનેક વન્ય પ્રાણીઓનું બ્રિડીંગ સેન્ટર છે. વર્ષ ૨૦૧૪થી સક્કરબાગ ઝૂમાં વરૂનું બ્રિડીંગ શરૂ કરવામાં આવ્યું હતું. સક્કરબાગ બ્રિડીંગ સેન્ટરમાં વરૂની સંખ્યા ૮૬ થઈ છે. હવે વરૂને સરકાર દ્વારા સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં વરૂ માટે સોફ્ટ રિલીઝ ફેસીલીટી બનાવવામાં આવી છે. જે ચારથી પાંચ હેક્ટરમાં તૈયાર કરવામાં આવી છે. બ્રિડીંગ સેન્ટર શરૂ થયા બાદ સૌપ્રથમ વાર વરૂને સક્કરબાગ ઝુમાંથી અન્યત્ર મોકલવાની ઘટના બની રહી છે.
થોડા જ દિવસોમાં જૂનાગઢ સક્કરબાગ ઝુમાંથી પાંચ વરૂને સુરેન્દ્રનગર અને પાંચને બનાસકાંઠા મોકલી દેવામાં આવશે. ત્યાં થોડો સમય તેને ખુલ્લામાં શિકાર કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. સક્કરબાગ ઝુમાંથી મોકલેલા વરૂ પોતાની જાતે જ શિકાર કરતા શીખી ગયા બાદ તેને જંગલમાં છોડવા કે કેમ તે અંગેની વિચારણા કરવામાં આવશે. સરકાર દ્વારા અન્ય સ્થળોએ પણ વરૂ માટેની સોફ્ટ રિલીઝ ફેસીલીટી તૈયાર કરવામાં આવશે તો સક્કરબાગ ઝુ દ્વારા તેને પણ વરૂ આપવામાં આવશે.
બરડા અભ્યારણને સિંહ માટે અનામત રાખવામાં આવ્યું છે તેમ સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વરૂ માટેની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઝુમાં જન્મેલા વરૂને કુદરતી વાતાવરણમાં છોડવા માટેની ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. જંગલના કે કુદરતની પ્રકૃતિમાં વસતા કોઈપણ વન્ય જીવને ઝુમા રાખી શકાતા નથી અને ઝુના પ્રાણીઓને જંગલમાં કે અન્ય કુદરતી પ્રકૃતિ વચ્ચે છોડવામાં આવતા નથી. પરંતુ વરૂનો વ્યાપ બ્રિડિંગ સેન્ટરમાં વધતા હવે તેને સોફ્ટ રિલીઝ ફેસીલીટીમાં મોકલવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.