– ઈશાકે ત્રણ વિકેટ ઝડપી, હરમનપ્રીતના 33 બોલમાં અણનમ 53 રન
– 160ના ટાર્ગેટને મુંબઈ ઈન્ડિયન્સે 17.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડ્યો
Updated: Mar 12th, 2023
મુંબઈ, તા.13
મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગમાં સળંગ ચોથો વિજય મેળવતા યુપી વોરિયર્ઝને આઠ વિકેટથી હરાવ્યું હતુ. સાઈકા ઈશાકે 33 રનમાં 3 વિકેટ ઝડપતાં યુપી વોરિયર્ઝ 6 વિકેટે 159 રન સુધી પહોંચી શક્યું હતુ. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 17.3 ઓવરમાં જ બે વિકેેટે 164 રન ફટકારતાં મેચ જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ.
ટોસ જીતીને બેટિંગ કરતાં યુપી વોરિયર્ઝે એલિસા હિલીએ 46 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા. જ્યારે તાહિલા મેક્ગ્રાએ 37 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 9 ચોગ્ગા સામેલ હતા. ઈશાકે ત્રણ અને એમિલીયા કૅરે 2 વિકેટ મેળવી હતી.
હેયલે મેથ્યૂસ 12 રને આઉટ થઈ હતી. જોકે યાસ્તીકા ભાટિયાએ 27 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા. આ પછી નાતાલી સીવેર-બ્રન્ટ અને હરમનપ્રીતની જોડીએ અણનમ 63 બોલમાં અણનમ 106 રન નોંધાવતા ટીમને જીતાડી હતી. હરમનપ્રીત 33 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 53 રન ફટકાર્યા હતા. જ્યારે નાતાલીએ 31 બોલમાં અણનમ 45 રન નોંધાવ્યા હતા.