-રખડતા કૂતરાના કરડવાના લગભગ 1.6 કરોડ કેસ નોંધાયા
નવી દિલ્હી,તા. 13 માર્ચ 2023, સોમવાર
નવેમ્બર સુધીનો ડેટા દર્શાવે છે કે, વર્ષ 2022માં દરરોજ સરેરાશ 5,739 લોકોને કૂતરા કરડ્યા છે. જો કે, કોરોના મહામારી બાદ આવા કેસોમાં ઘટાડો થયો છે.
ભારતમાં 2019 અને 2022 ની વચ્ચે રખડતા કૂતરાના કરડવાના લગભગ 1.6 કરોડ કેસ નોંધાયા (નવેમ્બર, 2022 સુધી સંસદના આંકડા)છે.,એટલે કે, દરરોજ 10,000 થી વધુ કેસ નોંધાયા છે.
નોંધાયેલા ડેટાની વાર્ષિક સંખ્યા 2019માં 73 લાખ હતી જે નવેમ્બર 2022 સુધીમાં ઘટીને 20 લાખથી ઓછી થઈ ગઈ છે.2019 ના પશુધન વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 1.53 કરોડ રખડતા કૂતરાઓ શેરીઓમાં રખડતા હોય છે. રખડતા કૂતરાઓના હુમલા, ખાસ કરીને બાળકો પર, પાણીપતથી લઈને હૈદરાબાદ અને લખનૌથી પુણે સુધી આ વર્ષની શરૂઆતથી જ હેડલાઈન્સ બની રહ્યા છે. ગયા વર્ષે કેરળમાં રખડતા કૂતરાઓના હુમલાના કિસ્સાઓ બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કૂતરાના ખતરાનો સામનો કરવા અને જાહેર સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા જણાવ્યું હતું.
રખડતા કૂતરાઓના હુમલા એ અન્ય રાજ્યો કરતા કેટલાક રાજ્યો માટે વધુ સમસ્યા છે. ડેટા દર્શાવે છે કે, 2019થી આ હુમલાઓમાંથી લગભગ 60 ટકા હુમલા ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં થયા છે. રોગચાળા પછી સંખ્યામાં ઘટાડો થયો છે. 2022માં રાજ્ય મુજબનું રેન્કિંગ કેટલાક ફેરફારો દર્શાવે છે. આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક હવે ટોચના પાંચમાં સામેલ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના અંદાજ મુજબ, વિશ્વમાં રેબીજથી થતા મૃત્યુના 36 ટકા હિસ્સો ભારતમાં છે, કારણ કે તે દાવો કરે છે કે, દેશમાં દર વર્ષે 18,000-20,000 લોકો મૃત્યુ પામે છે. 30 થી 60 ટકા કેસ અને મૃત્યુ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થાય છે.