– બે વર્ષની યુએસ ટ્રેઝરી યિલ્ડ ૧૮ બેસિસ પોઈન્ટ ઘટીને ૪.૩૪ ટકા, ઓક્ટોબર ૧૯૮૭ પછીનો આ સૌથી મોટો ત્રિદિવસીય ઘટાડો
Updated: Mar 13th, 2023
મુંબઈ : યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરમાં વધારાની ગતિ ફરી તેજ થવાના સંકેત આપ્યાના એક અઠવાડિયાથી ઓછા સમયમાં જ યુએસમાં બેંકિંગ કટોકટીના કારણે દુનિયાભરના નિષ્ણાંતોએ વ્યાજદરમાં વધારાને લઈને મંદીની વાત શરૂ કરી છે.
ગોલ્ડમેન સાક્સ ગ્રુપે કહ્યું કે તેઓ હવે યુએસ ફેડ આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારો કરે તેવી અપેક્ષા રાખતું નથી. અમેરિકન ફેડરલ રિઝર્વ અને સરકાર સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાંથી થાપણદારોના નાણાં ઉપાડવાને કારણે સર્જાયેલી કટોકટીને કાબૂમાં લેવા પગલાં લઈ રહ્યા છે. આ કટોકટીના સમયમાં વ્યાજદરમાં વધારો થવાની કોઈ શક્યતા નથી.
ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાના યુએસ ફેડના નિર્ણયને અમેરિકાની બેન્કિંગ સેક્ટરની તાજેતરની કટોકટી સહજ રીતે વિરોધાભાસી હોવાનું રેખાંકિત કરે છે કારણ કે જો ફુગાવાને રોકવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો દેશમાં મૂડીનો ખર્ચ વધે છે તેનાથી અર્થતંત્રમાં મંદીનું જોખમ વધી જાય છે. યુએસમાં વર્તમાન બેંકિંગ કટોકટીમાં વ્યાજ દરોમાં વધારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડને તેની દર વધારાની નીતિ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી શકે છે. નિષ્ણાતો કહે છે કે માત્ર એક વર્ષમાં ફેડ દ્વારા દરમાં ૪.૫ ટકાનો વધારો અર્થતંત્રમાં મંદીનું કારણ બની શકે છે અને જોખમી એસેટમાં વિનાશ સર્જી શકે છે.