મુથુરાજ નામની વ્યક્તિએ કહ્યું કે મેં 6 મહિના અગાઉ આ ઈવી 85000 રૂપિયામાં ખરીદયું હતું
ઘરમાં ટીવી, ફ્રીજ, મોબાઈલ જેવી અનેક વસ્તુઓ આગની લપેટમાં આવી
Updated: Mar 13th, 2023
image : envato |
હાલમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પરેશાન લોકો ઈલેક્ટ્રિક વ્હિકલ(ઈવી) અપનાવવા દોડી રહ્યા છે. પણ આ દરમિયાન ઇલેક્ટ્રિક વ્હિકલ પણ એટલા મોંઘા પડી રહ્યા છે કે જેના લીધે લોકોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન એક અહેવાલ એવા આવ્યા છે જે ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદવા માગતા લોકોની ચિંતા વધારી શકે છે. કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી એક ઈલેક્ટ્રિક વ્હિકલમાં બ્લાસ્ટ થયાનો મામલો સામે આવ્યો છે.
આ ઈવી ઘરના આંગણમાં ચાર્જિંગ પર મૂક્યું હતું
આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેના લીધે ઘરની અનેક વસ્તુઓ તેની લપેટમાં આવતા ભડથું થઈ ગઈ હતી. આ ઈવી ઘરના આંગણમાં ચાર્જિંગ પર મૂક્યું હતું. જોકે એકાએક તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના મડ્ડુર તાલુકામાં આવેલા વાલાગેરેહલ્લી ગામમાં બની હતી. આ ઈવીના માલિક મુથુરાજે કહ્યું કે મેં આ ઈવી 6 મહિના અગાઉ 85000 રૂપિયામાં ખરીદયું હતું. તેને ચાર્જિંગમાં મૂક્યું ત્યારે એકાએક તેમાં વિસ્ફોટ થયો હતો. આ વખતે ઘરમાં અમે ૫ લોકો હાજર હતા જેમનો જીવ હેમખેમ બચી ગયો હતો. આ બ્લાસ્ટને કારણે અમારા ઘરમાં ટીવી, ફ્રીજ, ડાઈનિંગ ટેબલ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ પણ બળી ગઈ હતી.