– દેશની ૧૨૬૦ મંડીઓ હાલમાં ઈલેકટ્રોનિક વ્યવસ્થાથી સંકળાયેલ છે
Updated: Mar 13th, 2023
મુંબઈ : ઈલેકટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (ઈ-નામ) વ્યવસ્થા મારફત કૃષિ વેપારમાં આકર્ષણ વધી રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કૃષિ કોમોડિટીઝના આસાન વેચાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાત વર્ષ અગાઉ ઈ-નામ પ્લેટફોર્મ ખુલ્લુ મુકાયું છે.
ઈ-નામ પ્લેટફોર્મનો ઉપયોગ કરી કાશમીર, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના ખેડૂતો સફરજન, રાય, ચણા, જીરું તથા સોયાબની જેવા કૃષિ ઉત્પાદનોનું કેરળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા તથા ઝારખંડ જેવા રાજ્યોમાં વેચાણ કરી રહ્યા છે.
રાજ્યોની અંદરની વિવિધ બજારો વચ્ચે પણ વેપાર વોલ્યુમમાં વર્તમાન નાણાં વર્ષમાં વધારો થયાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીના ગાળામાં ઈ-નામ મારફત થયેલા વેપારનું ટર્નઓવર રૂપિયા ૬૭૦૦૦ કરોડ જેટલું રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૨માં રૂપિયા ૫૧૦૦૦ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષનું ટર્નઓવર વધી રૂપિયા ૭૦,૦૦૦ કરોડ પહોંચવાનો અંદાજ છે.
દૂધ તથા મરિન પ્રોડકટસને બાદ કરતા દેશનો કૃષિ વેપારનો વાર્ષિક આંક રૂપિયા પાંચ ટ્રિલિયન જેટલો હોવાનું માનવામાં આવે છે.
હાલમાં દેશના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ ૧૨૬૦ મંડીઓ ઈ-નામ પ્લેટફોર્મ સાથે જોડી દેવાઈ છે. ૨૦૧૬ના એપ્રિલથી શરૂ થયેલા આ પ્લેટફોર્મ પર દેશના ૧.૭૫ કરોડ ખેડૂતોના નામ રજિસ્ટર્ડ થયેલા છે.