ઓનલાઇન સેલીંગનું કામ કરનારને ટારગેટ કરાયો
આર્મીના જવાનના નામે ગઠિયાએ કોલ કરીને ચણિયાચોળી લેવાનું કહ્યું હતુંઃ ધોલેરા પોલીસે ગુનો નોંધ્યો
Updated: Mar 13th, 2023
અમદાવાદ,સોમવાર
ધોલેરાના પાંચી ગામમાં રહેતા અને કમીશન લઇને ઓનલાઇન કપડાના રીસેલીંગનું
કામ કરતા યુવકને એક ગઠિયાએ આર્મીના જવાનના નામે કોલ કરીને પત્ની માટે ચણિયાચોળી ખરીદવાની
વાત કરી હતી. જે બાદ ક્યુઆર કોડ મોકલીને જે એમાઉન્ટ દાખલ કરો તેની સામે બમણા નાણાં
મળશે તેમ કહીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ધોલેરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. ધોલેરાના પાંચી ગામમાં રહેતો સાગર ભરભીડીયા ખેતી કામ કરવાની
સાથે મીસોની ઓનલાઇન એપ્લીકેશન પર એજન્ટ તરીકે કમિશન પર પ્રોડક્ટ રીલેસીંગનું કામ કરે
છે. સાથેસાથે તે ફેસબુક પર પણ પોતાની પ્રોડક્ટ પોસ્ટ કરે છે. થોડા દિવસ પહેલા તેને
એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે કહ્યું હતું કે તે આર્મીમાં
નોકરી છે અને ફેસબુક મુકેલી ચણિયાચોળીની ડિઝાઇન ગમી ગઇ છે. જેના છ પીસ જોઇએ છે. બાદમાં
પેમેન્ટમાં તેણે એક ક્યુ આર કોડ મોકલ્યો હતો. જો કે સાગરને શંકા જતા તેણે પહેલા તે
કોડ સ્કેન કરવાની ના પાડી હતી. પણ કોલ કરનારે કહ્યું હતું કે તમે જે એમાઉન્ટ એન્ટર
કરજો તેના બમણા નાણાં જમા થશે. જેથી સાગરે
ક્યુ આર કોડ સ્કેન કરીને પાંચ રૂપિયા એન્ટર કરતા ખાતામાં ૧૦ રૂપિયા જમા થયા હતા. જે
બાદ વાર ક્યુ આર કોડ સ્કેન કરીને ૭૨૦૦ રૂપિયા
એન્ટર કર્યા હતા પણ ડબલ નાણાં થવાને બદલે તે એકાઉન્ટમાંથી બાદ થઇ ગયા હતા. ત્યારે
ફોન કરનારે કહ્યું હતું કે ૧૨ હજાર રૂપિયાની એન્ટ્રી કરશો તો જ ક્યુઆર કોડથી બમણાં
નાણાં મળશે. જેથી સાગરને શંકા જતા તેણે ફોન
કટ કરીને ૧૯૩૦ નંબર પર કોલ કરીને સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું પણ આ નાણાં ટ્રાન્સફર
થઇને અન્ય બેંકમાં જમા થઇ ગયા હતા. જે અંગે
ધોલેરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.