– બિટકોઈનમાં ૨૦૦૦ ડોલરનો વધારો; માર્કેટ કેપ ફરી એક ટ્રિલિયન ડોલરને પાર
Updated: Mar 13th, 2023
મુંબઈ : સિલિકોન વેલી બેન્ક (એસવીબી)ના ધબડકાની અસરને મર્યાદિત રાખવાના અમેરિકાના સત્તાવાળાએ જાહેર કરેલા પગલાંને પરિણામે સોમવારે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં ફરી એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં ૨૦૦૦ ડોલરથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
બિટકોઈનમાં ૨૦૦૦ ડોલરનો વધારો; માર્કેટ કેપ ફરી એક ટ્રિલિયન ડોલરને પાર
અમેરિકાના નાણાં મંત્રાલય તથા ફેડરલ રિઝર્વે બેન્કિંગ વ્યવસ્થામાં સ્થિરતા જાળવી રાખવા અનેક પગલાંની છેલ્લા બે દિવસમાં જાહેરાત કરી છે. બેન્કના થાપણદારોને સોમવારથી નાણાં ઉપાડવાની પણ છૂટ અપાઈ હતી.નાણાં વ્યવસ્થા ટકાવી રાખવાના પગલાંને પરિણામે ક્રિપ્ટો માર્કેટમાં ખેલાડીઓના માનસમાં સુધારો જોવા મળ્યો હતો જેને કારણે ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક માર્કેટ કેપ સોમવારે ફરી એક ટ્રિલિયન ડોલરને પાર કરી મોડી સાંજે ૧.૦૨ ટ્રિલિયન ડોલર જોવા મળી હતી.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ પણ ૨૦૦૦ ડોલરથી વધુ ઉછળી મોડી સાંજે ૨૨૪૬૨ડોલર જોવા મળ્યો હતો. બિટકોઈનની પાછળ એથરમ ફરી ૧૬૦૦ ડોલરની ઉપર ગયો હતો.
બજારમાં લિક્વિડિટીની ખેંચ જોવા નહીં મળે તેવી લાગણી સાથે ખેલાડીઓ ફરી સક્રિય બન્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
એસવીબી બંધ કરી દેવાની જાહેરાત બાદ ગયા સપ્તાહના અંતે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે સોમવારે બજાર ઊંચકાતા મંદીવાળા અટવાઈ ગયા હતા અને ૧૮.૩૦ કરોડ ડોલરની શોર્ટ પોઝિશનને લિક્વિડેટ કરાઈ હતી.
કોઈ ટ્રેડર્સ જ્યારે તેના પ્રારંભિક માર્જિનની રકમનું કુલ અથવા આંશિક નુકસાન કરે તો એકસચેન્જ સંબંધિત ટ્રેડર્સની લિવરેજ પોઝિશનને બંધ કરી નાખે છે. કોઈ ટ્રેડર વધારાનું માર્જિન ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે આ પગલું લેવામાં આવે છે.