ક્રિપ્ટો ફ્રેન્ડલી કહેવાતી સિગ્નેચર બેન્કને અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આવી
અગાઉ બે દિવસ પહેલા સિલિકોન વેલી બેન્કને બંધ કરાઈ હતી
Updated: Mar 13th, 2023
image : Twitter |
અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં ઉથળ-પાથળ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેન્ક (SVB) બાદ વધુ એક બેન્કને તાળા વાગી ગયા છે. ક્રિપ્ટો ફ્રેન્ડલી કહેવાતી સિગ્નેચર બેન્કને અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આવી છે. આ બેન્ક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટૉક હતો અને તેના જોખમને ધ્યાનમાં રાખી થોડા સમય માટે ન્યુયોર્કમાં આવેલી આ પ્રાદેશિક બેન્કને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
110 અબજ ડૉલરની સંપત્તિ
એક અહેવાલ અનુસાર સિલિકોન વેલી બેન્ક પછી સિગ્નેચર બેન્ક અમેરિકામાં યથાવત્ બેન્કિંગ ઉથળ-પાથળની ભોગ બની છે. ન્યુયોર્ક સ્ટેટના ફાઈનાન્સ સર્વિસ વિભાગ અનુસાર ફેડરલ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને સિગ્નેચર બેન્કને પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે. જેની પાસે ગત વર્ષના અંત સુધીમાં 110.36 અબજ ડૉલરની સંપત્તિ હતી. જોકે હવે બેન્કમાં જમા રકમ 88.59 અબજ ડૉલર રહી ગઈ છે.
At my direction, @SecYellen and my National Economic Council Director worked with banking regulators to address problems at Silicon Valley Bank and Signature Bank.
I’m pleased they reached a solution that protects workers, small businesses, taxpayers, and our financial system. https://t.co/CxcdvLVP6l
— President Biden (@POTUS) March 13, 2023
અમેરિકી રાષ્ટ્રપતિએ પણ આપી પ્રતિક્રિયા
સિલિકોન વેલી બેંક અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. તે અમેરિકાની મુખ્ય બેંક છે જે નવા યુગની ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જોકે, યુએસ ફેડરલ રિઝર્વે છેલ્લા 18 મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે આવી કંપનીઓને ભારે નુકસાન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ બેંકિંગ કટોકટી વિશે કહ્યું છે કે હું આ ગડબડ માટે જવાબદાર લોકોને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા માટે પ્રતિબદ્ધ છું અને મોટી બેંકોની દેખરેખને મજબૂત કરવાના મારા પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છું, જેથી આપણે ફરીથી આ સ્થિતિમાં ન આવીએ.
2008 પછી ત્રીજું મોટું સંકટ
અમેરિકી બેન્કિંગ ઈતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી નિષ્ફળતા છે. અગાઉ બે દિવસ પહેલા સિલિકોન વેલી બેન્કને બંધ કરાઈ હતી. તે વોશિંગ્ટન મ્યુચ્યુઅલ બાદ બીજું સૌથી મોટું શટડાઉન હતું જે નાણાકીય સંકટ દરમિયાન ધસી પડ્યું હતું અને હવે સિગ્નેચર બેન્કનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના બેન્કિંગ સેક્ટર માટે સૌથી મોટું સંકટ 2008માં આવ્યું હતું. તે વર્ષે બેન્કિંગ ફર્મ લેહમન બ્રધર્સએ દેવાળીયું જાહેર કર્યું હતું. તેના પછી અમેરિકા સહિત આખી દુનિયામાં આર્થિક મંદી છવાઈ હતી અને ઈકોનોમીની કમર ભાંગી પડી હતી.