– વિશ્વ બજારમાં સોનું ઉછળી ૧૯૦૦ ડોલરને આંબી ગયું
– ક્રૂડતેલ તથા કોપરના ભાવ ઝડપી તૂટયા
Updated: Mar 13th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં વધુ ઉછાળોત્તાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઘટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો પવન સતત ફૂંકાતો જોવા મળ્યો હતો.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૬૮થી ૧૮૬૯ વાળા વધી ૧૯૦૦ પાર કરી ઉંચામાં ભાવ ૧૯૦૨થી ૧૯૦૩ થઈ ૧૮૯૭થી ૧૮૯૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔશના ૨૦.૫૩થી ૨૦.૫૪ વાળા વધી ૨૧.૬૧ થઈ ૨૧.૩૯થી ૨૧.૪૦ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૮૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૬૪૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારના નિર્દેશો મુજબ અમેરિકામાં બેન્કીંગ કટોકટી વચ્ચે ત્યાં હવે વ્યાજ દર વૃદ્ધીને બ્રેક વાગવાની શક્યતા સર્જાતાં વૈસ્વિક ડોલર ઈન્ડેક્સ નીચો ઉતર્યો હતો સામે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા.
વૈશ્વિક શેરબજારો તૂટતાં ત્યાંથી ફંડ સોના તરફ વળવાની પણ ચર્ચા હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૪થી ૯૬૫ વાળા વધી ૯૯૨થી ૯૮૮થી ૯૮૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૩૮૩થી ૧૩૮૪ વાળા વધી ૧૪૩૦ થઈ ૧૩૯૭થી ૧૩૯૮ ડોલર રહ્યા હતા.
જોકે વૈશ્વિક કોપર તથા ક્રૂડના ભાવ આજે તૂટી ગયા હતા. કોપરના વૈશ્વિક ભાવ બે ટકા ગબડયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ગબડયા હતા. નવી માગ ધીમી પડી હતી. રશિયામાં માલભરાવાના નિર્દેશો હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૭૬.૬૮ વાળા નીચામાં ૭૨.૩૦ થઈ ૭૨.૮૨ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૨.૭૮ વાળા નીચામાં ૭૮.૩૪ થઈ ૭૮.૮૯ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૬૩૦૦ વાળા રૂ.૫૬૭૪૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૬૫૦૦ વાળા રૂ.૫૬૯૬૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૨૮૨૫ વાળા રૂ.૬૩૬૬૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.