Updated: Mar 13th, 2023
– ભારતીય નિર્માતા દ્વારા બનેલી ફિલ્મનાં ગીતને પહેલીવાર ઓસ્કર
– અગિયાર નોમિનેશન્સમાંથી સાત એવોર્ડ મેળવી એવરીથિંગ એવરીવ્હેર છવાઇ, અવતારને ચાર નોમિનેશન્સ છતાં એક જ એવોર્ડ મળ્યો
લોસ એન્જેલસ : વિશ્વભરમાં વસતા કરોડો ભારતીય સિનેપ્રેમીઓ જે ઐતિહાસિક અને ગૌરવાન્વિત ક્ષણની રાહ જોતા હતા તે ૯૫મા ઓસ્કર એવોર્ડમાં સાકાર થઈ છે. ભારતની ફિલ્મ “આરઆરઆર’ના નાટુ નાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય નિર્માતા દ્વારા પ્રોડયૂસ કરવામાં આવેલી ફિલ્મનાં ગીતને ઓસ્કર મળ્યો હોય તેવું આ પહેલી વખત બન્યું છે.
આ પહેલાં ‘સ્લમડોગ મિલિયોનર’ નાં ગીત ‘જય હો’ માટે એ. આર. રહેમાનને ઓસ્કર મળી ચૂક્યો છે પરંતુ તે બ્રિટિશ પ્રોડક્શન કંપનીની ફિલ્મ હતી. જ્યારે આરઆરઆર સંપૂર્ણ સુવાંગ ભારતીય ફિલ્મ તરીકે છવાઈ છે. ૯૫માં ઓસ્કર એવોર્ડ સમારોહમાં કુલ ૨૩ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા તેમાંથી અગિયાર એવોર્ડ માટે નોમિનેટ થયેલી એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સને સાત એવોર્ડ અને ભારતની ત્રણ એન્ટ્રીમાંથી બે ને ઓસ્કર એવોર્ડ મળ્યાહતા. પીઢ નિર્માત્રી ગુનીત મોંગાની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને પણ ઓસ્કર મળતાં ભારત માટે આ વખતે ઓસ્કર સન્માનનો હરખ બેવડાયો છે. જોકે, ભારતની એક અન્ય ડોક્યુમેન્ટરી ઓલ ધેટ બ્રિધસ ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં નાવાલાની નામની ફિલ્મ સામે માત થઇ હતી. ઓરિજનિલ સોંગ કેટેગરીમાં એપ્લોઝ, હોલ્ડ માય હેન્ડ, લીફ્ટ મી અપ, નાટુ નાટુ અને ધીસ ઇઝ લાઇફ ગીતો નોમિનેટ થયા હતા તેમાંથી નાટુ નાટુને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. નાટુ નાટુ માટે ઓસ્કર એવોર્ડ સ્વીકારવા માટે ગીતના સંગીતકાર એમ.એમ. કિરવાણી યાને એમ.એમ. કરીમે પોતાના પિતરાઇ અને આરઆરઆર ફિલ્મના નિર્દેશક રાજામૌલિનો આભાર માન્યો હતો. કિરવાણીએ જણાવ્યું હતું કે હું કારપેન્ટર્સ સાંભળીને મોટો થયો છું અને આજે હું ઓસ્કર એવોર્ડ જીત્યો છુ. પેરોડીરૂપે ગીત રજૂ કરતાં કિરવાણીએ ગાયું હતું કે ધેર વોઝ ઓન્લી વન વીશ ઇન માય માઇન્ડ, સો વોઝ રાજામૌલિઝ એન્ડ માય ફેમિલિઝ, આરઆરઆર હેઝ ટુ વીન, પ્રાઇડ ઓફ એવરી ઇન્ડિયન એન્ડ મસ્ટ પુટ મી ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. નાટુ નાટુ ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો હોવાની જાહેરાત કરતાં પૂર્વે ગીતના ગાયકો રાહુલ સિપલીગંજ અને કિરવાણીના પુત્ર કાલા ભૈરવે સ્ટેજ પર અઢી મિનિટનું ગીત પ્રતિભાશાળી નૃત્યકારોના જૂથ સાથે ડોલ્બી થિયેટર્સના સ્ટેજ પર રજૂ કરવામાં આવતાં આખું થિયેટર નાટુ નાટુના તાલે નાચતું થઇ ૈગયું હતું. આ ગીત વિશે પરિચય દીપિકા પાદુકોણે આપ્યો હતો. સમગ્ર ઠઓડિયન્સ દ્વારા આ ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.
રસપ્રદ બાબત એ ેછે કે આ ગીત નાટુ નાટુ એટલે કે નાચો નાચોને યુક્રેનની સંસદ અને યુક્રેનના પ્રમુખના નિવાસસ્થાનની સામે પંદર દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. લેડી ગાગા અને રિહાનાએ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું પણ એવોર્ડ નાટુ નાટુને ફાળે ગયો હતો.
પ્રેઝન્ટર્સ જાનેલ મોના અને કેટ હડસને આરઆરઆરના ગીતને વિજેતા જાહેર કરતાં જ થિયટરમાં છેલ્લી હારમાં બેઠેલા રાજામૌલિ આનંદથી ઉછળી પડયા હતા. રાજામૌલિ અને આરઆરઆરની ટીમે ટ્વિટ કરી જણાવ્યું હતું કે આ અતિવાસ્તવિક ક્ષણને કોઇ શબ્દો વર્ણવી શકે તેમ નથી. ઓસ્કર એવોર્ડ જીતનારું આ પ્રથમ ભારતીય ગીત છે. અગાઉ ગુલઝારના ગીત જય હોને એવોર્ડ મળ્યો હતો પણ તે ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર બ્રિટિશ હતી. આ ફિલ્મમાં કામ કરનાર આલિયા ભટ્ટ અને બોલિવૂડના એક્શન હીરો અજય દેવગણે ઓસ્કર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. અજય દેવગણે જણાવ્યું હતું કે સિનેમાની ભાષા સાર્વત્રિક છે. આ એક ગૌરવભરી પળ છે.
ડેનિયલ્સ દિગ્દર્શિત એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્શન- ડેનિયલ્સ, બેસ્ટ એડિટિંગ-પોલ રોજર્સ, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિન પ્લે, બેસ્ટ એક્ટ્રેસ- મિશેલ યોહ, બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ-જેમી લી કર્ટિસ અને બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ-કે હુ કુઆન- માટે ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. ઓલ ધ ક્વાયટ ઓન વેસ્ટર્ન ફ્રન્ટનામની ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મનો ઓસ્કર એવોર્ડસ મળ્યા હતા. ગુલેર્મો ડેલ ટોરોની એનિમેશન ફિલ્મ પિનોકિયોને બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. જ્યારે બેસ્ટ સાઉન્ડ માટે ટોપ ગન માવેરિક અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે અવતાર : ધ વે ઓફ વોટરને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. અવતારને ચાર નોમિનેશન્સ મળ્યા હતા પણ એક જ ઓસ્કર મળ્યો હતો.