ઓસ્કાર એર્વોડ વિજેતા માટે જુદી જુદી કુલ ૨૪ જેટલી કેટેગરીઓ હોય છે
સભ્યો ઓસ્કાર કાર્યક્રમના ૪ દિવસ પહેલા પોતાનો વોટ આપે છે
Updated: Mar 13th, 2023
લૉસ એન્જેલસ, 13 માર્ચ, 2023, સોમવાર
ફિલ્મોની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા ઓસ્કાર એવોર્ડના વિજેતાની દર વર્ષે જાહેરાત કરવામાં આવે છે. ફિલ્મ રસિયાઓ અને ફિલ્મ વિવેચકો ઓસ્કાર જાહેર થવાની અત્યંત આતૂરતાથી રાહ જોતા હોય છે. મનોરંજન વિશ્વ ફલક પર અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા ઓસ્કાર કાર્યક્રમનું પ્રસારણ કરોડો લોકો નિહાળે છે. ઝાકઝમાળભર્યા સમારોહમાં એક થી એક ચડિયાતા ફિલ્મી સિતારાઓ ઉમટી પડે છે. પુરસ્કારની જાહેરાત સાથે જેનું પણ નામ જોડાય તે ખૂબજ ધન્યતા અનુભવે છે.
ઓસ્કાર પુરસ્કાર જાહેર કરવાની પણ એક પ્રકિયા છે જેમાં મનોરંજન ઉધોગ સાથે સંકળાયેલા 10000 મહાનુભાવો વિજેતાની પસંદગી કરે છે. તેઓ ઓસ્કાર કાર્યક્રમના 4 દિવસ પહેલા પોતાનો વોટ આપે છે. ઓસ્કાર એર્વોડ વિજેતા માટે જુદી જુદી કુલ 24 જેટલી કેટેગરીઓ હોય છે. આ દરેક કેટેગરીમાં એકને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કારનું આયોજન લૉસ એન્જલસમાં એકેડમી ઓફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સ કરે છે.
હાલમાં વિવિધ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડની પસંદગીના વોટિંગ સભ્યોની સંખ્યા 9500 જેટલી છે. આ વોટિંગ સદસ્યો પણ ખાસ પ્રક્રિયા કરીને પસંદ કરવામાં આવે છે. એકેડમીની સદસ્યતાને પણ 17 વિભાગોમાં વહેંચવામાં આવી છે. આ શાખાઓમાં એકટર, ડાયરેકટર, પ્રોડયૂસર, કોસ્ચ્યૂમ ડિઝાઇનર વગેરે સામેલ છે. સદસ્ય બનવા માટે આ ક્ષેત્રો સાથેના વ્યવસાયિકો સક્રિય રીતે જોડાયેલા અને કાર્યરત હોવા જરુરી છે અથવા તો ઇન્ડસ્ટ્રીઝમાં કોઇ ખાસ પ્રકારનું એચિવમેન્ટ મેળવેલું હોય તે જરુરી છે. નવા જોડાનારા કોઇ પણ સદસ્યને કમસેકમ બે એકેડમીનું સમર્થન હોવું જરુરી છે. ઓસ્કાર જીતી ચૂકેલા અથવા તો નોમિનેશન મેળવનારાને ઓસ્કાર એવોર્ડની વોટિંગ યાદી માટે જોડવા પર વિચારાય છે. 2021માં 395 નવા સભ્યોને આમંત્રિત કર્યા હતા.
આના માટે કોઇના પણ સ્પોન્સર હોવાની જરુરીયાત જણાતી નથી. દર વર્ષે એક વાર એકેડમીના બોર્ડ ઓફ ગર્વનર તમામ આવેદનો પર વિચાર કરે છે. તેમનો નિર્ણય જ અંતિમ ગણાય છે. ઓસ્કાર માટે પહેલા સભ્યોને આજીવન વોટિંગ અધિકાર મળતો હતો પરંતુ 2016 થી વોટિંગ સ્ટેટસ 10 વર્ષ માટે મર્યાદિત કરવામાં આવ્યું છે. જો ઓસ્કાર વોટિંગ સદસ્ય 10 વર્ષ પછી પણ સક્રિય હોયતો તેમની સદસ્યતાને આગળ વધારવામાં આવે છે. જે સક્રિય નથી રહેતા તેમને અમેરિટસ સભ્યોની કેટેગરીમાં રાખવામાં આવે છે જેમને વોટ આપવાનો અધિકાર મળતો નથી.
તમામ 17 કેટેગરીઓના નિષ્ણાતો પોતાના ક્ષેત્રના ઉત્કૃષ્ટ કામને નામાંકિત કરે છે. એકટર બીજા એકટરને અથવા તો ડાયરેકટર કોઇ બીજા ડાયરેકટરનો પ્રસ્તાવ મુકી રાખે છે. માત્ર સર્વ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ અને એનીમેશન ફિલ્મ પસંદ કરવાનું કામ જ એક વિશેષ સમિતિ કરે છે. બેસ્ટ ફિલ્મ ઉપરાંત તમામ શ્રેણીઓમાં વિજેતા વોટના આધારે પસંદ થાય છે. બેસ્ટ ફિલ્મ પસંદ કરવા માટે તમામ શ્રેણીઓના સભ્યો વોટ આપે છે. ત્યાર પછી એક અટપટ્ટી પ્રક્રિયાના અંતે ફિલ્મ ઓસ્કાર વિજેતા જાહેર થાય છે. બેસ્ટ ફિલ્મ માટેના સમર્થનમાં 50 ટકા કરતા વધુ સભ્યોનું વોટિંગ હોવું જરુરી છે.