– દેશની બેન્કો સિલિકોન વેલી બેન્કમાં એકસપોઝર ધરાવતી નથી
– મોટાભાગની બેન્કો સ્થાનિક થાપણો પર જ આધાર રાખે છે, જેથી તે અસરમાંથી બાકાત રહેશે
Updated: Mar 13th, 2023
ભારતની બેન્કો પર રિઝર્વ બેન્કનું સતત નિરીક્ષણ
મુંબઈ : સિલિકોન વેલી બેન્ક (એસવીબી) ના ધબડકાની ભારતીય બેન્કો પર પ્રતિકૂળ અસર જોવા મળવાની સંભાવના નથી કારણ કે દેશની બેન્કો દ્વારા એસેટ લાયાબિલિટીના મજબૂત સંચાલન કરવામાં આવી રહ્યા છે. એસવીબીના ધબડકાનો રેલો વિશ્વના કેટલાક દેશોની બેન્કો સુધી પહોંચવાની સંભાવના નકારાતી નથી.
ભારતની મોટાભાગની બેન્કો સ્થાનિક થાપણો પર જ આધાર રાખે છે, જેથી તે અસરમાંથી અડગી રહી શકશે એમ મેકયોર જુથ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
ભારતની કોઈપણ બેન્કોનું એસવીબીમાં સીધુ અથવા આડકતરું એકસપોઝર જોવા મળતું નથી. ભારતની બેન્કો ઘરઆંગણેથી થાપણ મેળવી તેને વધુ પડતી સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે.
ચાલીસ વર્ષ જુની એસવીબીને ગયા સપ્તાહના અંતે તાળાં લાગી ગયા હતા. એસવીબી મોટે ભાગે ટેક સ્ટાર્ટઅપ્સને ફાઈનાન્સ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરતી હતી. ૨૦૦૮ બાદ અમેરિકામાં આ બીજી મોટી નાણાંકીય કટોકટીના સંકેત જોવા મળી રહ્યા છે.
શુક્રવારે એસવીબી બાદ રવિવારે ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેન્ક બંધ કરી દેવાની જાહેરાત આવી પડી, હતી જે અમેરિકાના બેન્કિંગ ઉદ્યોગમાં ત્રીજી મોટી બેન્કિૅંગ નિષ્ફળતા હતી.
ભારતની બેન્કો પર રિઝર્વ બેન્કનું સતત નિરીક્ષણ રહે છેએમ અન્ય એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
લોન વૃદ્ધિ ધીમી પડવા અને માર્જિન પર દબાણ આવવા છતાં, દેશની બેન્કોની આવક વૃદ્ધિ ચાલુ રહેશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. એસેટ – લાયાબિલિટીના મિસમેચ એસવીબીના ધબડકાનું કારણ છે.