કિમ જોંગ ઉનની અમેરિકાને હુમલાની ધમકી
દક્ષિણ કોરિયા-અમેરિકા વચ્ચે ૨૮ માર્ચ સુધી યુદ્ધ અભ્યાસ થવાનો હોવાથી જવાબમાં કિમ જોંગે પરીક્ષણો હાથ ધર્યા
Updated: Mar 13th, 2023
ઉત્તર કોરિયાએ સબમરીનમાંથી બે ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ ક્રૂઝ મિસાઈલે ૧૫૦૦ કિલોમીટરનું અંતર કાપીને નિશાન ભેદી બતાવ્યું હતું. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કિમ જોંગને ટાંકીને આ અંગેનો અહેવાલ આપ્યો હતો.
ઉત્તર કોરિયાએ અંડર વોટર ક્રૂઝ મિસાઈલ લોન્ચિંગ હાથ ધર્યું હતું. પૂર્વી સાગરમાં ક્યોંગફો ખાડીના પાણીમાં સબમરીનમાંથી બે ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી. જેણે ૧૫૦૦ કિલોમીટરનું અંતર કાપીને નિશાન સાધી બતાવ્યું હતું. કિંમ જોંગને ટાંકીને કહેવાયું હતું કે આ પરીક્ષણથી એ સાબિત થાય છે કે ઉત્તર કોરિયા હવે સબમરીનમાંથી પણ પરમાણું હુમલો કરવા સજ્જ છે. જાપાન અને દક્ષિણ કોરિયા સ્થિત અમેરિકન લશ્કરી મથકો સુધી પહોંચવાની ક્ષમતા ઉત્તર કોરિયા ધરાવે છે.
આ અંગે દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે આવું પરીક્ષણ થયાનું નોંધાયું છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી અધિકારીઓએ તેનું વિશ્લેષણ શરૃ કર્યું છે. ઉત્તર કોરિયાએ આ પરીક્ષણો કરીને અમેરિકાને ધમકી આપવાનું શરૃ કર્યું છે. અમેરિકન લશ્કર અને દક્ષિણ કોરિયાના લશ્કર વચ્ચે ૨૮મી માર્ચ સુધી લશ્કરી કવાયત ચાલશે. એ દરમિયાન ઉત્તર કોરિયાએ જવાબ આપવા માટે આ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી.