સોનુ અગ્રવાલે સિક્યુરિટી ગાર્ડના ઘર પાસે જથ્થો સંગ્રહ કરાવ્યો હતો
ખાતરના ખોટા બિલ મેળવ્યા તે વેપારી કુંદન મિશ્રાની પણ ધરપકડ
Updated: Mar 13th, 2023
– સોનુ અગ્રવાલે સિક્યુરિટી ગાર્ડના ઘર પાસે જથ્થો સંગ્રહ કરાવ્યો હતો
– ખાતરના ખોટા બિલ મેળવ્યા તે વેપારી કુંદન મિશ્રાની પણ ધરપકડ
સુરત, : સુરતના પાંડેસરાની જય અંબે સોસાયટીમાંથી સબસીડીયુકત યુરીયા ખાતરની 56 બેગ મળવાની ઘટનામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે સબસીડીયુકત યુરીયા ખાતરનો જથ્થો મંગાવી મિલમાં ગેરકાયદેસર વપરાશ કરતા રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના માલિકની ધરપકડ કરી છે.મિલ માલિકને ખોટા બિલ પુરા પાડનાર વેપારીની પણ ધરપકડ કરાઈ છે.
સુરતના અઠવાલાઇન્સ સ્થિત ખેતી નિયામક વિભાગની કચેરી અને પાંડેસરા પોલીસે ગત 2 ફેબ્રુઆરીના રોજ પાંડેસરાની જય અંબે સોસાયટીમાં દરોડા પાડી ખેતીમાં ઉપયોગમાં લેવાતા સબસિડીયુક્ત નીમ કોટેડ યુરીયા ખાતરની 56 બેગ ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી પાંડેસરાની મિલના સિક્યુરીટી સુપરવાઈઝર સત્યેન્દ્રસિંહ રાજેશસિંહ રાજપુત અને ત્યાર બાદ રીયાઝ ઇબ્રાહિમભાઇ વ્હોરાની ધરપકડ કરી હતી.સત્યેન્દ્રસિંહે યુરીયાનો જથ્થો પાંડેસરાના કુંદન મિશ્રા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની તપાસ કરી હતી પણ તે મળ્યો નહોતો. દરમિયાન, રાજ્યવ્યાપી કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ કમિશનરે ચાર દિવસ અગાઉ સીટની રચના કરી ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
તપાસ બાદ મિલના માલિક સોનું મહેશચંદ્ર અગ્રવાલ ( ઉ.વ.36, રહે.બિલ્ડીંગ નં.સી/4, ફલેટ નં.201, સેલીબ્રીટી ગ્રીન, વેસુ, સુરત તથા ફલેટ નં.એસ/101, ઇસ્કોન પ્લેટીનમ, બોપલ, અમદાવાદ. મુળ રહે.હિન્ડોન શહેર, જી.કરોલી, રાજસ્થાન ) અને ખોટા બિલ પુરા પાડનાર કોલસાના વેપારી કુંદન દિનેશભાઇ મિશ્રા ( ઉ.વ.26, રહે.બી/701, સીલીકોન પાર્મ, ડીંડોલી, સુરત. મુળ રહે.જોનપુર, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
2022 માં રેઇડમાં પકડાયા બાદ સોનુ અગ્રવાલે યુરીયા ખાતરનો સંગ્રહ કરવા સિક્યુરીટી ગાર્ડન ઘર પાસે ગોડાઉન બનાવ્યું હતું
સત્યેન્દ્રસિંહ રાજપુતની ઉંડાણપુર્વક તપાસ કરી તેના મોબાઇલ નંબરની માહિતી મંગાવી એનાલીસીસ કરતા ખુલાસો થયો હતો કે તે જે મિલમાં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો તે રાધેરાધે ડાઇંગ એન્ડ પ્રીન્ટ મિલના માલિક સોનું અગ્રવાલ પોતાની મિલમાં સપ્ટેમ્બર 2022 માં પણ સબસીડીયુકત યુરીયા ખાતરનો ઉપયોગ કરતા ખેતીવાડીખાતાના અધિકારીઓની રેઇડમાં ઝડપાયો હતો.આથી તેણે મિલમાં સબસીડીયુકત યુરીયા ખાતરનો ઉપયોગ કરવા માટે સત્યેન્દ્રસિંહ રાજપુતના ઘરની આગળ ખાલી પડી રહેલી જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી ખાતરનો સંગ્રહ કરી ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું.તદુપરાંત, આ ખાતર કાયદેસર રીતે મંગાવ્યું છે તેવું પ્રસ્થાપિત કરવા તેણે તેની મિલમાં કોલસો પૂરો પાડતા વેપારી કુંદન મિશ્રા પાસેથી ખાતરના ખોટા બીલો પણ બનાવડાવ્યા હતા.