ફાઇનાન્સ બિલ પસાર કરાવવાની સરકારની પ્રાથમિકતા
વિરોધ પક્ષો તપાસ એજન્સીઓના દુરુપયોગ, અદાણી સામેના આરોપો, મોંઘવારી, ચીન સાથેની સરહદ, બેકારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે
Updated: Mar 12th, 2023
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ આવતીકાલથી થઇ રહ્યો
છે. સરકારે જણાવ્યું છે કે બજેટ સત્રના બીજા તબક્કામાં તેની પ્રાથમિકતા ફાઇનાન્સ બિલ
પસાર કરવાની રહેળે જ્યારે બીજી વિરોધ પક્ષ સંસદમાં ભાજપના રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે
કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી અને અદાણી ગુ્રપ સામેના આરોપો જેવા મુદ્દે સરકારને ઘેરવાની
તૈયારીઓ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષના નેતાઓ આવતીકાલે સવારે
૧૦ વાગ્યે સંસદ ભવનમાં આવેલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં
મળશે. ત્યારબાદ કોંગ્રેસના સાંસદો પક્ષની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસ સંસદીય પાર્ટીની
ઓફિસમાં મળશે.
વિરોધ પક્ષો સંસદમાં સરકારને વિરોધ પક્ષના નેતાઓને નિશાન
બનાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનું દુરુપયોગ અદાણી ગુ્રપ સામેના આરોપો, ચીન સાથે સરહદી
મુદ્દાઓ, ભાવવધારો
અને બેકારી જેવા મુદ્દાઓ પર ઘેરવાનું આયોજન કરી રહ્યાં છે.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલે શરૃ થશે અને ૬ એપ્રિલે
સમાપ્ત થશે. આવતીકાલે નાણા પ્રધાન નિર્મલા સિતારમન સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
રજૂ કરશે.
તેઓ સંસદમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનું વર્ષ
૨૦૨૩-૨૪નું બજેટ પણ લોકસભામાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જમ્મુ-કાશ્મીર
કેન્દ્ર સરકારના તાબા હેઠળ છે.
સમાજવાદી પાર્ટી,
ડાબેરી અને ડીએમકે પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ મુદ્દે કોંગ્રેસને ટેકો
આપશે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ અદાણીના શેરોમાં એલઆઇસી અને એસબીઆઇના રોકાણનો મુદ્દો
ઉઠાવશે.