રેલવેમાં મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોને ફરી ભાડામાં ડિસ્કાઉન્ટ આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી
કોરોનાના કારણે 2020થી ભાડામાં રાહત આપતો નિયમ બંધ કરાયો હતો : વરિષ્ઠ નાગરિકોને ભાડામાં 50% રાહત અપાતી હતી
Updated: Mar 13th, 2023
નવી દિલ્હી, તા.13 માર્ચ-2023, સોમવાર
રેલ્વે મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોને ફરી રાહત આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી છે. સંસદીય સમિતિએ રેલ્વે મંત્રાલયને ટ્રેન મુસાફરી દરમિયાન વરિષ્ઠ નાગરિકોને અપાતી છૂટછાટ ફરી શરુ કરવા માટે વિચારણા કરવા જણાવ્યું છે. ભાજપના સાંસદ રાધા મોહન સિંહની અધ્યક્ષતાવાળી રેલ્વે મંત્રાલય સંબંધીત સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં આ વાત જણાવાઈ છે. આ અહેવાલ સોમવારે સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો.
વરિષ્ઠ નાગરિકોને મળતું હતું ડિસ્કાઉન્ટ
અહેવાલ અનુસાર ભારતીય રેલ્વ દ્વારા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષોને ભાડામાં 40 ટકાની છૂટ અપાતી હતી, તો મહિલાઓ માટેની લઘુત્તમ ઉંમર 58 વર્ષ છે, એટલે કે 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ભાડામાં 50 ટકાની રાહત અપાતી હતી. આ રાહત મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરંતો ગ્રુપની ટ્રેનોમાં તમામ વર્ગો માટે અપાતી હતી રિપોર્ટમાં જણાવાયું છે કે, મંત્રાલયે “વરિષ્ઠ નાગરિક કન્સેશન છોડો’ પહેલ શરૂ કરી છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને એક વિકલ્પ અપાયો હતો કે જેઓ રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા માંગે છે, તેઓ ભાડામાં રાહત વિના તેમની ટિકિટ બુક કરી શકે છે.
20 માર્ચ 2020થી નથી મળી રહી ભાડામાં રાહત
અહેવાલો મુજબ કોરોના રોગચાળાના ફેલાવાને રોકવા માટે 20 માર્ચ 2020થી વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં રાહતનો વિકલ્પ પરત ખેંચાયો હતો. હવે સમિતિને લાગે છે કે, કોરોના પ્રતિબંધો હવે પૂર્ણ થઈ ગયા છે. રેલવેએ સામાન્ય વૃદ્ધિ મેળવી છે. સમિતિએ મંત્રાલયને વિનંતી કરી છે કે, સ્લીપર ક્લાસ અને 3A ક્લાસમાં વરિષ્ઠ નાગરિકોને અપાતી ભાડામાં રાહત સહાનુભૂતિપૂર્વક વિચાર કરે. ભાડામાં મળતી રાહતને શક્ય બને તેટલી વહેલી તકે ફરી શરૂ કરવાના પ્રયાસો કરવા જોઈએ.