જય હો.. ગીતના સર્જક જાણીતા ગીતકાર- ગઝલકાર ગુલઝાર હતા
2023માં ઓસ્કાર મેળવનાર નાટુ નાટુ ગીતના ગીતકાર ચંદ્રાબોઝ છે
Updated: Mar 13th, 2023
લોસ એન્જેલસ, ૧૩ માર્ચ,૨૦૨૩,સોમવાર
૯૫ મો ઓસ્કાર સમારંભ ભારત માટે ચમકતા સૂર્ય જેવો રહયો છે. તેલુગુ ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ-નાટૂ અને ડોક્યૂમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને ઓસ્કાર મળ્યો છે. એક સાથે બે ઓસ્કાર મળતા ભારતના મનોરંજન ઉધોગ માટે રોમાંચકારી ઐતિહાસિક ક્ષણો ઉભી થઇ છે, તેલુગુ ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુ (હિંદીમાં નાચો..નાચો)ના તાલે કરોડો લોકો નાચે છે. હાથીઓના સંરક્ષણ પરની ડોકયુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ ચર્ચા જગાવી છે.
૧૯૯૩માં ગાંધી ફિલ્મ માટે ભાનુ અથૈયાને બેસ્ટ કોસ્ય્યૂમ એવોર્ડ અને સત્યજીત રે ને લાઇફટાઇમ એચિવમેંટ અને ૨૦૦૯માં સ્લમડૉગ મિલિયનેરને જુદી જુદી ૩ કેટેગેરીમાં ઓસ્કાર મળ્યો હતો. જયારે ગીતને ઓસ્કાર મળ્યો હોય એવું બીજી વાર બન્યું છે. ૨૦૦૯માં સ્લમડૉગ મિલિયનેરના ગીત જય હો…ને આરઆરઆરના ગીત નાટુ નાટુ પ્રકારની કેટેગરીમાં જ ઓસ્કાર મળ્યો હતો.
જાણીતા ગીતકાર ગુલઝારે જય હો ગીત લખ્યું હતું જયારે આર એ રહેમાન સંગીત બધ્ધ કર્યુ હતું. જય હો ગીત ભારત ભરમાં ગુંજતું થયું હતું અને તેના પરથી પ્રચાર જીંગલ પણ બન્યા હતા. ૨૦૨૩માં ઓસ્કાર મેળવનાર નાટુ નાટુ ગીતના ગીતકાર ચંદ્રાબોઝ છે જયારે સંગીત એમ એમ કીરવાનીએ આપ્યું છે. આરઆરઆરના હિંદી વર્ઝનમાં નાટુ નાટુ નું નાચો નાચો થયું હતું. નાચો નાચો ગીત હવે દેશના સીમાડા ઓળંગીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું થયું છે.