Updated: Mar 13th, 2023
– કેલિફોર્નિયાની એસવીબી બેંકના પતન બાદ ન્યુયોર્કની સિગ્નેચર બેંકને તાળાં લાગતાં
– પ્રમુખ બાયડનના નિવેદને અમેરિકી બજારો ઝડપી રિકવર થયા : મોડી સાંજે ડાઉ જોન્સમાં 225 પોઈન્ટ, નાસ્દાકમાં 90 પોઈન્ટનો સુધારો
– ભારતમાં રોકાણકારોની સંપતિમાં રૂ.4.34 લાખ કરોડનું ધોવાણ
મુંબઈ : અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપની સિલિકોન વેલી બેંક(એસવીબી)ના ગત સપ્તાહમાં ઉઠમણાં બાદ એક પછી એક અમેરિકન બેંકોનું પતન થવા લાગતાં વિશ્વના માથે ઐતિહાસિક નાણા કટોકટીનું સંકટ ઘેરાવા લાગતાં આજે વૈશ્વિક બજારોમાં અપેક્ષિત ગાબડાં પડયા હતા.
અમેરિકાની બીજી બેંક ન્યુયોર્કની સિગ્નેચર બેંકને પણ તાળાં લાગી જતાં યુરોપ સહિત વૈશ્વિક બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્શિયલ કંપનીઓના શેરોમાં કડાકો બોલાઈ જતાં સેન્સેક્સ ૮૯૭ પોઈન્ટ અને નિફટી ૨૫૯ પોઈન્ટ તૂટયા હતા. ભારતીય બજારોમાં આજે શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૩૪ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. અમેરિકી પ્રમુખ જો બાયડને અમેરિકાની ફાઈનાન્શિયલ સિસ્ટમ સુરક્ષિત હોવાનું અને અમેરિકન લોકોની થાપણો સલામત હોવાનું અને જરૂર હશે ત્યારે મેળવી શકવાની ખાતરી આપતાં અને અને કોઈ કરદાતાં પર નુકશાનીનો બોજ નહીં આવે એવો વિશ્વાસ બતાવતાં અમેરિકી બજારો ઘટયામથાળેથી ઝડપી રિકવર થયા હતા.
એસવીબી બેંક બાદ ન્યુયોર્કની સિગ્નેચર બેંકનું પતન થતાં અમેરિકાની બેંકિંગ સિસ્ટમ પરનો લોકોનો વિશ્વાસ ડગમગવા લાગતાં ખુદ અમેરિકી પ્રમુખ જો બાયડેને આજે અમેરિકાના શેર બજારો ખુલતાં પહેલા જ પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા નિવેદન કરવાની ફરજ પડી હતી. જેના પરિણામે અમેરિકી બજારો ઘટાડા સાથે ખુલ્યા બાદ ઝડપી રિકવર થયા હતા. બાયડેનના નિવેદન પૂર્વે ફયુચર્સમાં અમેરિકી શેર બજારોમાં ન્યુયોર્ક શેર બજારનો ડાઉ જોન્સ પોઈન્ટ અને નાસ્દાક ૨૫૦ પોઈન્ટ જેટલા ઘટી આવ્યા હતા. જે આજે રાબેતા મુજબ અમેરિકી બજારો ખુલ્યા ત્યારે સાધારણ નરમાઈ બતાવ્યા બાદ ઝડપી રિકવરીમાં મોડી સાંજે પોઝિટીવ થઈ ગયા હતા. અમેરિકી બેંકોને તાળાં લાગવા લાગતાં યુરોપના દેશોના બજારોમાં આરંભથી જ બેંકિંગ, ફાઈનાન્શિયલ કંપનીઓના શેરોમાં ઈન્વેસ્ટરોએ મોટાપાયે વેચવાલી શરૂ કરી દીધી હતી. અમેરિકાની એસવીબી બેંકના યુ.કે.ના એકમને એચએસબીસી હોલ્ડિંગ પ્લેક.ની યુ.કે.ની સબસીડિયરી દ્વારા ઈંગ્લેન્ડની સરકારની દરમિયાનગીરીથી એક પાઉન્ડમાં ખરીદવાનું જાહેર કર્યા છતાં યુરોપના બજારોમાં મોડી સાંજે શેરોમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હતું. મોડી સાંજે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૮૫ પોઈન્ટનો કડાકો, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૫૧૫ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૨૫ પોઈન્ટનો જંગી ઘટાડો બતાવતાં હતા. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં આજે જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૧ પોઈન્ટ તૂટીને ૨૭૮૩૨ રહ્યો હતો.
ભારતીય બજારોમાં બેંકિંગ, ફાઈનાન્સ શેરો સાથે આઈટી, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટાપાયે વેચવાલી થતાં સેન્સેક્સ વધ્યામથાળેથી ૧૨૦૦ પોઈન્ટ જેટલો ગબડી આવી અંતે ૮૯૭.૨૮ પોઈન્ટ તૂટીને ૫૮૨૩૭.૮૫ અને નિફટી સ્પોટ ૨૫૮.૬૦ પોઈન્ટ ગબડીને ૧૭૧૫૪.૩૦ બંધ રહ્યા હતા.આમ છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૨૧૦૦ પોઈન્ટનું અને બજારના માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની એક્ત્રિત સંપિતમાં ૭.૩૪ લાખ કરોડનું ધોવાણ થયું છે. અમેરિકી પ્રમુખ જો બાયડેનના નિવેદન બાદ મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સમાં ૨૨૫ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્સમાં ૯૦ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.