Updated: Mar 13th, 2023
નવી દિલ્હી, તા. 13 માર્ચ 2023 સોમવાર
દેશમાં ગરમીની સિઝન શરૂ થતા જ ઘણી વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે. જેમાંથી એક છે લીંબુ. દેશની રાજધાની દિલ્હીમાં પણ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા અમુક દિવસોમાં લીંબુના ભાવમાં ભારે વધારો થયો છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં 10 રૂપિયામાં 3થી 4 લીંબુ મળી જતા હતા તે હવે 10 રૂપિયામાં 1થી 2 લીંબુ જ મળી રહ્યા છે. આનાથી લોકોના ખિસ્સા પર ખૂબ અસર પડી રહી છે. કેમ કે ગરમીની સિઝનમાં લીંબુનો વધુ ઉપયોગ થાય છે. દરમિયાન ભાવ વધવાથી લોકો લીંબુ ખરીદવાથી બચી રહ્યા છે.
લીંબુના ભાવમાં વધારાને લઈને વેપારીઓનું કહેવુ છેકે બજારમાં વપરાશના હિસાબે સપ્લાય થઈ રહ્યો નથી. જેના કારણે બજારમાં લીંબુ નથી અને તેની ડિમાન્ડ વધી ગઈ છે. એવામાં લીંબુના ભાવમાં વધારો થયો છે. બજારમાં લગભગ એક મહિના પહેલા 60થી 70 રૂપિયા કિલોના ભાવે લીંબુ મળી રહ્યા હતા પરંતુ હવે લીંબુ લગભગ બમણાથી પણ વધુ કિંમતે મળી રહ્યા છે. એટલે કે હવે એક કિલો લીંબુના 150થી 170 રૂપિયા થઈ ગયા છે.
અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા છે લીંબુના ભાવ
લોકોનું કહેવુ છે કે લીંબુની વધતી કિંમતે ચિંતા વધારી દીધી છે. જો આ જ સ્થિતિ રહી તો મે-જૂનના મહિનામાં લીંબુની કિંમત 200 રૂપિયા કિલોથી પણ વધુ થઈ શકે છે. દિલ્હી જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યોમાં લીંબુના ભાવ વધી રહ્યા છે. અનુમાન છે કે 2-3 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થશે નહીં. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે લીંબુ 60-70 રૂપિયા કિલો મળે છે.