મુંબઈ, તા.13 માર્ચ-2023, સોમવાર
બોલિવૂડ અભિનેતા સતીશ કૌશિક પહેલા માળે તેમના રૂમમાં હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો થયો હતો. દુઃખાવાના કારણે તેઓ પહેલા માળેથી નીચે ઉતરીને પોતાની પોર્ચે કારમાં બેઠા હતા. આ વાતનો ખુલાસો ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાને સ્કેન કર્યા બાદ થયો છે. કપાસહેડા પોલીસ સ્ટેશને ફાર્મ હાઉસમાંથી CCTV કેમેરાના DVR કબજે કરી લીધા છે. ઉપરાંત આ મામલાની તપાસ માટે એક ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ 8 સભ્યોની ટીમ બનાવાઈ છે. આ ટીમે રવિવારે ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી.
સતીષે પાર્ટીમાં 45 મિનિટ સુધી કર્યો ડાન્સ
સતીશ કૌશિકનો હોળી પાર્ટીમાં ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હિન્દી ગીત પર ઝુમી રહ્યા છે. તેમણે સફેદ કુર્તો અને પાયજામો પહેર્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકો ડાન્સ કરતા નજરે પડે છે. કહેવાઈ રહ્યું છે કે, સતીષ કૌશિકે પાર્ટીમાં લગભગ 45 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હોળી પાર્ટીમાં 20થી 22 વ્યક્તિઓ હતા. 3 વાગ્યે પાર્ટી પૂર્ણ થઈ હતી. તમામ લોકો ફાર્મહાઉસમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાના ઘરે જતા રહ્યા હતા. સતીશને બપોરે 12.10 વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમણે તેમના મેનેજરને દુઃખાવા અંગેની જાણ કરી હતી. મેનેજરની મદદ લઈ તેઓ સીડી પરથી નીચે આવ્યા હતા.
ફિલ્મની ડીલ માટે વિકાસને મળવા ફાર્મહાઉસ ગયા હતા કૌશિક
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સતીશના રૂમમાંથી ડાયઝિન અને પેટ સાફ કરવાનીની બોટલ મળી હતી. ઉપરાંત બ્લડપ્રેશર અને સુગરની દવાઓ પણ મળી છે. જો કે આ દવાઓ તેમના મેનેજર પાસે રહે છે. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે, અભિનેતા સતીશ કૌશિક ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મની ડીલ માટે તેઓ વિકાસ માલુ સાથે વાત કરવા ફાર્મ હાઉસ ગયા હતા. સૂત્રો મુજબ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, એડિ. પોલીસ રાજીવ કુમાર અને ACP વી.કે.પી.એસ.યાદવની ટીમ શનિવારે પોલીસ હેડક્વાર્ટર ગઈ હતી અને શરૂઆતનો તપાસ અહેવાલ સોંપ્યો હતો.
વિકાસ માલુએ આ આરોપને ગણાવ્યા ખોટા
ગંભીર આરોપ બાદ વિકાસે ઈન્સ્ટાગ્રામ પર હોળીનો વીડિયો શેર કરી પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. વિકાસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા અને સતીશ વચ્ચે 30 વર્ષથી પારિવારિક સંબંધો છે અને લોકોને મારું નામ બદનામ કરવામાં થોડી મિનિટો જ લાગી હતી, તેઓ તમામ ઉજવણીમાં સતીશને મિસ કરશે.
અંડરવર્લ્ડને લઈને તપાસ કરી રહી છે પોલીસ
વિકાસ માલુની બીજી પત્ની સાનવીએ ફરિયાદમાં સતીશ કૌશિક અને વિકાસની એક તસવીર શેર કરવાની વાત કહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, દુબઈમાં યોજાયેલી પાર્ટીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પુત્ર હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સાનવી અને વિકાસ વચ્ચે વૈવાહિક વિવાદ ચાલે છે, તેથી પોલીસ પણ બદલાની ભાવનાથી તપાસ કરી રહી છે.
બધા મહેમાનોની કરાઈ પૂછપરછ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હોળી પાર્ટીમાં 20થી 22 મહેમાનો આવ્યા હતા. પોલીસે તમામ મહેમાનોની પૂછપછ કરી છે. તમામને પૂછવામાં આવ્યું કે, પાર્ટીમાં શું થયું હતું. જો કે તમામ મહેમાનોની પૂછપરછમાં કોઈપણ પ્રકારના પ્રશ્નો સામે આવ્યા નથી. તેમજ કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.