Updated: Mar 13th, 2023
– ઉનાળો શરૂ થતા પાણીની તકલીફ વચ્ચે લાઈનમાં લીકેજ થવાના બનાવ પણ વધતા મુશ્કેલી
વડોદરા,તા.13 માર્ચ 2023,સોમવાર
વડોદરામાં ગોત્રી ઇસ્કોન હાઈટ પાસે મુખ્ય રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડતા રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. લીકેજના કારણે રોડ પર પાણી ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા, અને વાહનચાલકોને રોડ પરથી પસાર થવાની પણ મુશ્કેલી પડી હતી. ઉનાળો શરૂ થતા જ દર વર્ષની માફક પાણીની લાઈનમાં લીકેજ થવાના બનાવો શરૂ થઈ ગયા છે. એક બાજુ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ આ પ્રકારે લાઈન લીકેજ થવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ ઉપર હજારો લીટર ની માત્રામાં વેડફાઈ જાય છે. હજુ બે દિવસ પહેલા તરસાલીમાં પણ આવું મોટું ભંગાણ થયું હતું અને પાણીનો વેડફાટ થયો હતો. પાણીની મુખ્ય લાઈનમાં હોલ પડી જવાના કારણે પાણી બેફામ વહી ગયું હતું.
વડોદરામાં પાણીની લાઈનો જૂની થવાથી અને ઠેર ઠેર ખોદકામ થવાના લીધે પાણીની લાઈનોને નુકસાન થાય છે, તેમજ જ્યારે ત્યારે રીપેરીંગના બહાને ખોદકામ કરવામાં આવે છે, ત્યારે રીપેરીંગ કાર્ય બરાબર નહીં કરવાથી સાંધા છુટા પડી જવાના કારણે પણ લાઈન લીકેજના બનાવો છે.