Updated: Mar 13th, 2023
સુરત,તા.13 માર્ચ 2023,સોમવાર
માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલ ચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જે 9 થી 11 મી માર્ચ સુધી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં કુલ મળીને ત્રણ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર બે મેચની અંદર ભારતીય ટીમનો વિજય થયો હતો. સાથે છેલ્લા દિવસે 11મી માર્ચએ ફાઇનલ મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચમાં પણ ભારતીય ટીમનો શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું અને વિજેતા બની હતી. જેમાં બાંગ્લાદેશએ ટોસ જીત્યો અને બેટિંગ કરીને 20 ઓવરમાં 169/5 રન બનાવ્યા ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ 17.3 ઓવરમાં 170/1 બનાવીને જીત હાસિલ કરી હતી.
આ મેચ દરમિયાન ભારતીય ખિલાડી મુનાફ પટેલ પણ હાજર રહ્યા હતા અને આ પ્રકારની મેચને બિરદાવી હતી અને ખેલાડીઓનું ઉત્સાહ વધાર્યો હતો. સાથે વિક્રાંત રાણા (અંડર 19 ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન) ઉપસ્થિત રહ્યા હતા.
માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન નેમીચંદ જાંગીડે બધા ખેલાડીઓને સમગ્ર સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જેમાં બધા જ ખેલાડીઓને રમતમાં વપરાતી વ્હીલ ચેર આપી હતી. અને જણાવ્યું હતું કે વ્હીલ ચેર ઉપર દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ક્રિકેટ મેચ રમશે. માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ આ રમતને પ્રોત્સાહન આપવા માટેનું છે અને દિવ્યાંગ ખેલાડીઓ પણ ક્રિકેટ મેચ રમી શકે છે તે દર્શાવવાનું હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરાયું.
આ ઐતિહાસિક શ્રેણીનું આયોજન માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન નેમીચંદ જાંગીડે આ શ્રેણીના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તે સુરતમાં વ્હીલ ચેર ક્રિકેટ માટે એક મહાન બેન્ચ માર્ક સ્થાપિત કરી રહ્યા છે.