Updated: Mar 13th, 2023
– વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જશે ?
– સૌથી વધુ ચિંતા રશિયા, ચીન, ઉ.કોરિયા અને ઈરાનની ધરી રચાવાની છે : તે સામે લોકશાહી દેશોએ એક થવું પડે
નવી દિલ્હી : દુનિયા ઉપર જાણે કે રોજેરોજ “લોહી-નીતરતો’ સૂરજ ઊગે છે. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત દેખાતો નથી. હજ્જારોના જાન ગયા છે. એક સમયનાં સોનેમઢ્યા શહેરો ખંડેર થતાં જાય છે, પણ પૂર્વમાં ચીનના માંધાતા શી-જીનપિંગ તાઈવાન ઉપર ત્રાટકવાની તૈયારીમાં છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉનને તો સિદ્ધાંતો કે નીતિ-નિયમો સાથે ‘સ્નાન-સૂતકનો સંબંધ’ નથી તે તો ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન અને માયામીને પણ તબાહ કરી નાખે તેવા પરમાણુ બોમ્બ ટોચકાં સાથેનાં આઈસીબીએમ તૈયાર રાખી બેઠા છે.
આટલું ઓછું હોય તેમ ઈરાનના તાનાશાહ રાયસી બૈજિંગની મુલાકાતે પહોંચી ગયા હતા. એક તરફ મહીલાઓને બુરખામાં રાખી સાકલો ટ્રોન વિકસાવવા સાથે પરમાણુ બોમ્બની ઈરાન તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલ-પેલેસ્ટાઇનનો દાયકાઓથી ઝઘડો ચાલે છે. રોજેરોજ પેલેસ્ટાઈનીઓ બોમ્બ વર્ષા કરે છે. રોજેરોજ ઈઝરાયેલીઓ તેથી સવાઈ મિસાઇલ વર્ષા કરે છે. આટલું ઓછું હોય તેમ ભૂકંપમાંથી હજી બેઠું નથી થયું તેવા સીરીયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. પૃથ્વી જાણે ભાર સહી ન શકતી હોય તેમ ઈન્ડોનેશિયામાં પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.
તેવા સમયે ચીનના માંધાતા રશિયાના સર્વેસર્વા પ્રમુખ વ્લામીર પુતિનની મુલાકાતે આગામી સપ્તાહે જવાના છે. દુનિયા આખીની તે મુલાકાત ઉપર નજર છે. અમેરિકાના પ્રમુખ જો બાયડનની ઉંઘ ઉડી ગઈ છે. સમગ્ર યુરેશિયા ભૂખંડનો બે તૃતીયાંશથી પણ વધુ ભાગ આવરી લેતા વિસ્તારના આ બંને માંધાતાઓ કંઈ સાથે ‘ચા’ પીવા તો મળવાના જ ન હોય તે તો રસ્તે ચાલતી વ્યક્તિ પણ સમજી શકે છે તે માટે રાજ્યશાસ્ત્રી કે સંરક્ષણ નિષ્ણાંત થવાની જરૂર પણ નથી. માત્ર અમેરિકા નહીં સમગ્ર પશ્ચિમ અને નાટો દેશો સતર્ક બની ગયા છે.
ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ સ્તરે નિશ્ચિત નંબરો ઉપર ફોન દ્વારા વાતચીત શરૂ થઈ જ ચૂકી હોય, તે કહેવાની જરૂર પણ નથી.
રશિયા અને ચીન પહેલેથી જ ચીનની સામ્યવાદી ક્રાંતિના સમયથી મિત્રો જ રહ્યા છે. તેમાં ઉત્તર કોરિયાનો સાથ છે જ. રશિયાએ તાજેતરમાં જ ઉ.કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદ્યા હતાં તે સર્વવિદિત છે. રશિયાએ ઈરાન પાસેથી ડ્રોન વિમાનો ખરીદ્યા હતા તે પણ સર્વવિદિત છે. ઈરાન-ચીનની નિકટ પહોંચી ગયું છે તે પણ સર્વવિદિત છે. રશિયા સાથેની તેની દોસ્તી પણ જાણીતી છે. આમ રશિયા, ચીન ઉત્તર કોરિયા અને ઈરાનની ધરી રચાઈ રહી છે. દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે, એક તરફ સરમુખત્યાર શાસનનો નીચેનાં રશિયા, ચીન, ઉ.કોરિયા અને ઈરાન છે તો બીજી તરફ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિત પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો છે. વિશ્વનું ભાવિ ધૂંધળું બની રહ્યું છે.