કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાનની જાહેરાત
સરકારના નિર્ણયથી કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને આંચકો ઃ આ નિર્ણયથી સરકારી તિજોરીના ૩૪,૪૦૨ કરોડ બચશે
Updated: Mar 14th, 2023
નવી દિલ્હી,
તા. ૧૪
કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના
રોકવામાં આવેલા મોંઘવારી ભથ્થા (ડીએ)ના એરિયર્સની ચુકવણી અંગે સરકારે કર્મચારીઓને
આંચકો આપતા જણાવ્યું છે કે કર્મચારીઓ અને પેન્શનધારકોને તેમને ૧૮ મહિનાનું ડીએ
એરિયર્સ ચુકવવામાં આવશે નહીં.
કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ
ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં ડીએ એરિયર્સ ચુકવવાનો ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ
શબ્દોમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને આ ૧૮
મહિનાનું ડીએ એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવાની સરકારની કોઇ યોજના નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૨૦, જુલાઇ, ૨૦૨૦ અને
જાન્યુઆરી, ૨૦૨૧માં
ડીએ વધારો નહીં આપવાનો નિર્ણય કોરોના મહામારીથી પેદા થયેલા આર્થિક નુકસાનને કારણે
લેવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી સરકારે ૩૪,૪૦૨.૩૨
કરોડ રૃપિયાની રકમ સરકારી તિજોરીમાં બચાવી છે. તેમણે જણાવ્યું હતું કે મહામારી
દરમિયાન જે નુકસાન થયું છે તેમાં ડીએ એરિયર્સ ન ચુકવવાને કારણે આ નાણાકીય નુકસાન
ઘટાડવામાં મદદ મળી છે.
પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર મહામારી કાળમાં સરકારની
કલ્યાણકારી યોજનાઓ માટે મોટા પ્રમાણમાં ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. જેની અસર
૨૦૨૦-૨૧ અને ત્યચારબાદ પણ જોવા મળી હતી. હાલમાં પણ સરકારનું નાણાકીય નુકસાન
એફઆરબીએમ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલા સ્તરથી બમણું છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓ અને
પેન્શનધારકોના ડીએમાં વધારો કરે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર ટકા ડીએ આપવામાં
આવ્યો હતો.જેના કારણે મોંઘવારી ભથ્થું ૩૪ ટકાથી વધીન્ ૩૮ ટકા થઇ ગયું હતું.
સરકારના આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને આંચકો લાગ્યો છે.