ભારતે બોર્ડર ગાવસ્કર સીરીઝ 2-1થી પોતાના નામે કરી હતી
ભારતીય ટીમ સતત બીજીવાર WTC ફાઇનલમાં પહોંચી છે
Updated: Mar 14th, 2023
Image : Screen Grab Instagram |
અમદાવાદ,14 માર્ચ 2023, મંગળવાર
ભારતે બોર્ડર ગાવસ્કર સીરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. આ સમગ્ર સીરીઝમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પોતાની સ્પિન બોલિંગ દ્વારા ઓસ્ટ્રેલિયાના બેટર્સને ખૂબ પરેશાન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની આ સીરીઝમાં અશ્વિને 25 જયારે જાડેજાએ કુલ 22 વિકેટ ઝડપી હતી. સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં બંને બોલરો અનુક્રમે પ્રથમ અને બીજા નંબર પર રહ્યા હતા. ચાર ટેસ્ટ મેચોની આ સીરીઝમાં બંનેએ સાથે મળીને 47 વિકેટો ઝડપી હતી. આ બંને સાથે પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યા હતા. આથી બંને ખેલાડીઓએ ઉજવણી કરતો એક વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રવિન્દ્ર જાડેજા સાથે બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ રાવડી રાઠૌરનો એક ડાયલોગ બોલતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જાડેજા અને અશ્વિન એકબીજા સાથે “એક તેરા એક મેરા’ ડાયલોગ બોલી ઓસ્ટ્રેલિયાની વિકેટ વહેંચી રહ્યા છે. આ વીડિયો જોઈ ફેન્સ ખુશ થયા હતા.
ભારતીય ટીમ સતત બીજીવાર WTCની ફાઇનલમાં
ભારતે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 7મી જૂને ઈંગ્લેન્ડના ઓવલમાં ફાઇનલમાં એકબીજા સાથે ટકરાશે. ભારતીય ટીમ સતત બીજીવાર WTCની ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમને આ પહેલા WTCની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.