Updated: Mar 14th, 2023
– અંબાજીના મોહનથાળના પ્રસાદ બાદ નવા વિવાદના એંધાણ
– દુધીયા તળાવ ખાતેથી ચેકિંગ કરાશે, વેપારીઓને પણ છોલેલું શ્રીફળ નહીં રાખવા તાકીદ, આખું શ્રીફળ માતાજીને ધરાવી ભક્તોને પરત કરી દેવાશે
– સ્વચ્છતાની બાબતને આગળ ધરી નિર્ણય લેવાયો : છોલેલું શ્રીફળ લઈ જનારને દંડ થશે
હાલોલ,પાવાગઢ : પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ માંડ થાળે પડયો છે ત્યાં યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આગામી તા.૨૦મીથી નિજ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકતાં નવો વિવાદ સર્જાવાના એંધાણ સર્જાઈ રહ્યા છે.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે માતાજીને અર્પણ કરાતા શ્રીફળને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે. અત્યાર સુધી પાવાગઢમાં દર્શને આવતાં ભક્તો દ્વારા માતાજીને પ્રસાદની સાથે ચુંદડી અને શ્રીફળ અર્પણ કરવામાં આવતા હતાં. તેમજ આ શ્રીફળ મંદિર પરિસરમાં વધેરવામાં આવતા હતાં. પરંતુ નવા નિયમ મુજબ તા.૨૦મીથી શ્રધ્ધાળુઓ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જઈ શકશે નહીં. આમ છોલેલું શ્રીફળ મંદિરમાં તેમજ પરિસરમાં લાવવા પર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેના બદલે હવેથી ભક્તો મંદિરમાં આખુ શ્રીફળ લાવી શકશે જે માતાજીને ધરાવ્યા બાદ ભક્તોને ઘરે લઈ જવા પરત કરી દેવામાં આવશે.
છોલેલું શ્રીફળ લઈને ભક્તો મદિરમાં ના આવે તે માટે શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેકીંગ હાથ ધરવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય અંગે વેપારીઓને પણ જાણ કરવામાં આવી છે. તેમજ જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાય રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને લઇ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટીઓ જણાવી રહ્યા છે. તેમજ આવનારા દિવસોમાં માચી ખાતે શ્રીફળ વધેરવાના સ્ટેન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.